ખંભાલીયાના પ્રસિદ્ધ ખામનાથ મહાદેવ મંદિર પરિસરમાં વકીલ અને અન્ય એક યુવાનને બે સખ્સોએ બબાલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. બોરની પાઈપ લાઈન રીપેર કરવા ગયેલ વકીલ અને તેના મિત્રને બંને સખ્સોએ ધમકાવી મંદિરના ટ્રસ્ટીઓ રૂપિયા ખાઈ ગયાનો આક્ષેપ પણ લગાવ્યો છે.
દેવભૂમિ દ્વારકાના ખંભાલીયામાં જૂની મામલતદાર ઓફીસ પાસે રહેતા અને વકીલાત કરતા પ્રતિક જોશી અને તેના મિત્ર મહેશભાઈ ધ્રુવ સાથે ગઈ કાલે ખામનાથ મંદિરે ગયા હતા. મંદિર ટ્રસ્ટના પ્રમુખ હેમતભાઈ ધ્રુવના કહેવાથી બંને મંદિર પરિશરમાં આવેલ બોરનો પાઈપ રીપેર કરવાના હેતુથી મંદિર ગયા હતા. બપોરે સાડા બારેક વાગ્યે બંને મંદિર પરિસરમાં હતા ત્યારે ચંન્દ્રસિંહ ફતેહસિંહ જાડેજા અને મુન્નો ઉર્ફે પ્રભાતસિંહ રણજીતસિંહ જાડેજા બંને આવી પહોચ્યા હતા.
જ્યાં બંને આરોપીઓએ ખામનાથ મહાદેવ મંદિરના બહારના ભાગમાં પ્લમ્બિંગનુ કામ ચાલુ હતુ તે કામ દાદાગીરીથી બંધ કરાવી વાણી વિલાસ આચર્યો હતો. ‘તમો મંદિરના પૈસા પચાવી ગયેલ છે’ તેમ કહી જેમ ફાવે તેમ ભુંડા બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વકીલ પ્રતિકભાઈએ બંને સખ્સો સામે ધાકધમકી આપવા બદલ ફરિયાદ દાખલ કરાવી છે.