ખંભાળિયા: ૧૨ લાખનો દારૂ ગોવાથી સપ્લાય કરાયો

0
1350

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના બુટલેગરને દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્થાનિક પોલીસે ૧૨ લાખના દારૂના જથ્થા સાથે પકડી પાડયો છે. ગોવાથી દારૂ ભરેલ ટેમ્પો ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે ઠલવાય તે પૂર્વે ખંભાળિયા પોલીસે કાર્યવાહી કરી હતી. આ પ્રકરણમાં કચ્છના બે સહિત સાત શખ્સોની સંડોવણી ખુલવા પામી છે. પોલીસે 2772 બોટલ દારૂ અને એક લાખનો બિયરનો જથ્થો કબજે કરી, આ પ્રકરણના મૂળ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા મથક ખાતે રહેતો બુટલેગર પ્રફુલ પરસોત્તમભાઈ સીતાપરા નામનો શખ્સ વિદેશી દારૂનો ટેમ્પો ભરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાણવડ થી ખંભાળિયા રોડ પર થી પસાર થઈ રહ્યો હોવાની ખંભાળિયા પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે ખંભાળિયા પોલીસે ગઈકાલે સાંજે ખંભાળિયા ભાણવડ ધોરીમાર્ગ પરના લલીયા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન સાંજે સાડા છએક વાગ્યાના સુમારે શંકાસ્પદ હાલતમાં પસાર થતાં એક ટેમ્પાને પોલીસે રોકી લીધો હતો. આ ટેમ્પોમાંથી પ્રફુલ સીતાપરા નામનો જામજોધપુરનો શખ્સ મળી આવ્યો હતો. જ્યારે પોલીસને જોઇ ટેમ્પોચાલક યુસુફ સુલેમાન રાવકરડા નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે પ્રફુલને આંતરી લઈ ટેમ્પાની તલાશી લીધી હતી.

આ ટેમ્પોમાંથી દારૂ ભરેલ 2520 નંગ બોટલ મળી આવી હતી, જ્યારે 60 નંગ બોટલ બે લીટર દારૂની મળી આવી હતી. પોલીસ દ્વારા રૂપિયા 11,17,200ની કિંમતનો દારૂ કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટેમ્પો અંદરથી 1080 નંગ બીયરના ટીન પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે. દારૂ અને બિયર સહિત રૂપિયા 12,18000ની કિંમતના જથ્થાને કબ્જે કરી પકડાયેલા પ્રફુલ સીતાપરાની પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં દારૂનો આ જથ્થો મૂળ કચ્છના અને  હાલ ગોવામાં રહેતા મહેશ ઉર્ફે દિપેશ પટેલ નામના શખ્સે રવાના કર્યું હોવાની વિગતો સામે આવી હતી. આ ઉપરાંત આ પ્રકરણમાં કચ્છના સાગર ઉર્ફે લાલો આહીર, જમીર હારુન પટેલ, સમીર જુનુસ રાંદે,  ફરીદખાન રસીદખાન મુસ્લિમ અને દારૂનો જથ્થો જ્યાં ઉતારવાનો હતો તે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના દિલીપસંગ મોહબ્બતસંગ કેર નામના છ શખ્સોની સંડોવણી ખુલવા પામી હતી. પોલીસે ટેમ્પો ચાલક સહિતના તમામ શખ્સોને ફરાર જાહેર કરી પકડાયેલા પ્રફુલ ને કોર્ટ સમક્ષ રજુ કરી આ પ્રકરણના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here