જામનગર નજીક આવેલા લોઢીયા ગામના મારવાડી પ્રજાતિના ‘કેસરીયા’ ઘોડાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રંગ દેખાડયો હતો. રાજસ્થાનના પુષ્કરમાં યોજાયેલા ઈન્ટરનેશનલ હોર્સ ફેર ‘અશ્વ પૃથ્વી કી શાન’માં કેસરીયા નામના ઘોડાએ સ્ટેલિન કેટગરીમાં પ્રથમ રનર-અપ બન્યો છે.

જામનગરના લોઢીયા ગામના મારવાડી ઘોડાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ રનરઅપ બનીને નાના ગામ અને જીલ્લાનુ ગૌરવ વધાર્યુ છે. નવેમ્બર મહિનાની 18મી તારીખે રાજસ્થાનના પુષ્કરમાં આંતર રાષ્ટ્રીય કક્ષાનો મેળો યોજાયો હતો. જયાં દેશભરમાંથી ઘોડાને ખરીદ-વેચાણ અને પ્રદર્શન માટે લાવવામાં આવે છે. મેળામાં 10 હજાર જેટલા ઘોડા દેશભરમાંથી આવ્યા હતા. આ સ્પર્ધામાં મારવાડી નસલના સર્વશ્રેષ્ઠ ઘોડાની સ્પર્ધામાં 37 જેટલા ઘોડાઓ વચ્ચે સ્પર્ધા થઈ હતી. જેમાં પ્રથમ ક્રમાંકે પુનાનો કામીઝ નામનો ઘોડો પ્રથમ નંબરે આવ્યો. લોઢીયાના કેસરીયાએ પ્રથમ રનર-અપ બનીને બીજો સ્થાન મેળવ્યુ છે

લોઢીયાના ચરણજીતસિંહને ઘોડા પ્રત્યે વિશેષ લગાવ છે. નાનપણથી ઘોડાને પાળવાનો શોખ હોવાથી એક બાદ એક કરીને કુલ 7 જેટલા ઘોડાના પાળે છે. અને કાળજીપૂર્વક સાર સંભાળ કરે છે. જેમાંથી કેસરીયા નામનો ઘોડો વિશેષ છે. મારવાડી નસલના 5 વર્ષની ઉમર ધરાવતા કેસરીયો પોતાની સુંદરતાના કારણે બીજાથી અલગ પડે છે. જેના પિતા અતિસુંદર છે જે હાલ મહારાષ્ટ્રમાં છે. અતિસુંદરના પિતાનુ નામ સુંદર અને સુંદરના પિતાનુ નામ દેવધર દરબાર છે. કેસરીયા ઘોડાના માલિક ચરણજીત પાસે ઘોડાની સાત-આઠ પેઢીની બંન્ને બાજુની હિસ્ટ્રી અને પેડિગ્રી ચાર્ટ છે. તેણે ઘોડાનો ડીએનએ કરાવ્યુ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ અન્ય દેશમાં જવા માટે ‘કેસરીયા’નો પાસપોર્ટ પણ કરાવ્યો છે. કેસરીયા નામનો આ ઘોડો ભૂતકાળમાં વછેરાની કેટેગરીમાં સાયલા હોર્સ ફેરમાં પ્રથમ રનર-અપ રહી ચૂક્યો છે. ત્યારપછી સારંગખેડાની અંદર બે દાંત કેટેગરીમાં પણ પ્રથમ રનર-અપ રહી ચૂક્યો છે. ઉપરાંત બનાસકાંઠાના જસરા ખાતેની સ્પર્ધામાં પણ આ ઘોડો સેકન્ડ રનરઅપ રહી ચૂક્યો છે. પુષ્કરમાં યોજાયેલ સ્પર્ધામાં 5 જજની ટીમ દ્રારા કાન, મોઢા, ગરદન, પગ, સાચવણી, પ્રેઝન્ટેશન, માલિકની વાતને કેટલુ સમજે અને અનુકરણ, સહીતના મુદાઓના માર્ક આપવામાં આવે છે.

જે પહેલા ઘોડાનુ મેડીકલ કરવામાં આવે છે. કેસરીયાની દેખરેખ માટે તેના માલિક ખાસ કાળજી લે છે. તેના ખોરાક, દવા, તેમજ તેના માટેનો ખાસ સામાન સહીતના દરેક મુદાઓ પર વિશેષ કાળજી લે છે. જરૂરી હોય તે અન્ય દેશમાંથી સામાન કે ખોરાકની ખરીદી કરે છે. અને કેસરીયાની વિશેષ કાળજી લે છે. જેના પરીણામ સ્વરૂપે આ પ્રકારની સ્પર્ધામાં કેસરીયાએ પોતોનો રંગ દેખાડયો છે.




