જામનગર શહેરમાં અપમૃત્યુનો વિચિત્ર પણ કમકમાટીભર્યો બનાવ સામે આવ્યો છે. માણસ દરરોજ કોઈ ને કોઈ બાબતે ભૂલ કરતો હોય છે. પણ આ ભૂલો ક્ષુલ્લક હોય છે. પરંતુ જામનગરમાં એક યુવાને એવી ભૂલ કરી નાખી જે ભૂલ કમકમાટીભર્યા મોત સુધી દોરી ગઈ છે. મોબાઇલની હેન્ડફ્રી કાનમાં નાખી ટ્રેક પર ચાલતી વેળાએ અચાનક ધસમસતી ટ્રેઇન આવી ચડી અને યુવાનને અનંતની વાતે તાણી ગઈ છે.

જામનગરમાં કમકમાટીભર્યા બનાવની વિગત જ કમકમાટી ઉપજાવે તેવી છે. જેમાં શહેરના
પોલીસ હેડ ક્વાર્ટર પાછળ કોળીના દંગામાં રહેતા ચિરાગભાઇ રાજેશભાઇ રાઠોડ ઉ.વ- ૨૧ નામનો યુવાન ગઈ કાલે દસેક વાગ્યે પોતાના ઘર તરફ જતો હતો. મોબાઈલ ફોનમાં હેન્ડફ્રી પહેરીને આ યુવાન રેલ્વે કી.મી ૮૩૧/૩-૪ નંબરના ટ્રેન ના પાટા પર પસાર થતો હતો ત્યારે પાછળથી પુર પાટ ઝડપે ટ્રેઇન ઘસી આવી હતી. જેમાં ટ્રેઈને જોરદાર ઠોકર મારતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે જાણ થતાં યુવાનના પરિવારમાં શોકનું મોઝુ ફરી વળ્યું હતું. સીટી સી ડિવિઝન પોલીસે આ બનાવ અંગે વિગતવાર તાપસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે હેન્ડફ્રી પહેરેલા હોવાથી યુવાનને પાછળ આવતી ટ્રેઇનનો અવાજ સંભળાયો નહીં અને તે ટ્રેઇનની ઠોકરે ચડી ગયો, આવા બનાવ ભૂતકાળમાં રાજકોટ અને મોરબીમાં બની ચુક્યા છે છતાં પણ નાગરિકો પોતાના મહામુલા જીવન અંગે જાગૃત થતા જ નથી. આમતો રેલવે ટ્રેક પર ચાલવું એ જ ગુનો બને છે છતાં પણ નાગરિકો ભૂલ કે અમુક સમયે જાણી જોઈને રેલવે ટ્રેક પર ચાલતા હોય છે.