જામનગર :
જામનગર જિલ્લા પોલીસવડા તરીકે અમદાવાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રનની નિમણૂક થતા આજે નવા એસપી તરીકે ચાર્જ સંભાળ્યો છે.
ચાર દિવસ પૂર્વે એસપી શ્વેતા શ્રીમાળીની જગ્યાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રનની નિમણૂક કરવામાં આવતા જ એક માત્ર ગુનાખોરીના આલમમાં જ નહીં પણ સામાન્ય માણસોમાં પણ અનેક ચર્ચાઓએ ચર્ચાઓ શરૂ થઈ હતી. જામનગર શહેરમાં છાસ વારે બનતા ફાયરિંગ અને ખંડણી સહિતના બનાવોને લઈને પોલીસની તો ઠીક સરકારની કિરકિરી થઈ છે. સતત વધતા આવા બનાવો ભાજપના શાસન સામે જોખમરુપ સાબિત થવાના અંદેશા સાથે ગાંધીનગર તો ઠીક દિલ્લી સુધી આ મુદ્દો પહોંચ્યો હતો. વધી રહેલી ગુંડાગીરી સામે વ્યાપારી અને બિલ્ડર લોબી સહિત રાજકીય આલમમાં ફેલાયેલ ભય વચ્ચે સરકારે આ રસ્તો કાઢ્યો હોવાનો અને નવા એસપી ભદ્રનને કમાન સોંપવામાં આવી હોવાની ચર્ચાઓ હાલ વ્યાપક બની છે. બીજી તરફ સ્થાનિક ભાજપ દ્વારા પણ એક ગુપ્ત અહેવાલ છેક દિલ્લી સુધી પહોંચાડ્યો હોવાનું અને તેના પરિણામ સ્વરૂપ હાલના સમીકરણો રચાયા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. બીજી તરફ આધારભૂત પોલીસ સૂત્રો માંથી જાણવા મળેલ વિગતો મુજબ આગામી એક જ સપ્તાહમાં જામનગરના પોલીસ વિભાગ અને ગ્રાઉન્ડ ઝીરોમાં મોટી ઉથલપાથલ જોવા મળશે. આ ચર્ચાઓ વચ્ચે આજે પોલીસ અધિક્ષક તરીકે દીપેન ભદ્રને ચાર્જ સંભાળ્યો હતો. સવારે ૧૧ કલાકે પોલીસ અધિક્ષક કચેરી ખાતે આઈપીએસ શ્વેતા શ્રીમાળી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દીપેન ભદ્રનનું સ્વાગત કર્યું હતું.