જામનગર: પ્રથમ રાઉન્ડમાં ક્યાં સૌથી વધુ વરસાદ, ક્યા સૌથી ઓછો ? સરકારી આકડાઓ

0
612

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લામાં વરસાદનો પ્રથમ રાઉન્ડ ક્યાંક હરખની હેલી સમો રહ્યો તો ક્યાંક નિરાશાભર્યો તો ક્યાંક આશાઓ જન્માવતો ગયો, જીલ્લામાં પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ ક્યા થયો છે સૌથી ઓછો વરસાદ ક્યા પડ્યો? મોસમના  પ્રથમ રાઉન્ડના રોચક આકડાઓ સામે આવ્યા છે. પ્રથમ રાઉન્ડમાં ક્યાંક પુર આવ્યું તો ક્યાંક વીજળી વેરણ બની, ક્યાંક લોકો તણાયા તો ક્યાંક ચોમાસું નબળું સાબિત થઇ રહ્યું હોય એવા આસાર સર્જાયા છે.

જામનગર જીલ્લામાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં એકંદરે વાવણી લાયક વરસાદ થયો છે. જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ખરીફ પાકનું વાવેતર થઇ ચુક્યું છે અને વરાપ નીકળતા પાક પણ હવે લહેરાવવા લાગ્યો છે. ત્યારે પ્રથમ રાઉન્ડમાં જિલ્લામાં ક્યા કેટલો વરસાદ પડ્યો તેની માહિતી જિલ્લા આપત્કાલીક કચેરી તરફથી સાંપડ્યા છે તેના પર એક નજર કરીએ, જામનગર જીલ્લાના છ તાલુકા મથકોની વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ જામજોધપુર પંથકમાં પડ્યો છે. અહી ૨૪૩ મીમી એટલે કે લગભગ દસ ઇંચ વરસાદ નોંધાયો છે જેને લઈને સોરઠી અને ઉમિયાસાગર ડેમ છલોછલ થઇ ગયા છે. જયારે બીજા નંબરે કાલાવડ તાલુકો આવે છે જ્યાં નવ ઇંચ વરસાદ પડ્યો છે. પરંતુ સૌથી વધુ નુકસાની પણ આ તાલુકામાં સામે આવી છે. બે માનવ મૃત્યુ તેમજ બળદગાડા સાથે પાંચ લોકો તણાયા હતા. જેમાં એક બાળકનું  મૃત્યુ થયું છે. જયારે ત્રીજા નંબર પર જોડિયા તાલુકો આવે છે અહી તાલુકા મથકે ૧૬૩ મીમી એટલે કે લગભગ સાડા છ ઇંચ વરસાદ પડયો છે. જયારે ચોથા નંબરે લાલપુર તાલુકામાં ૧૮૩ મીમી એટલે કે સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે. જયારે પાંચમાં નંબરે જામનગરનો સમાવેશ થાય છે અહી ૧૩૬ મીમી એટલે કે સવા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. જયારે સૌથી ઓછો વરસાદ ધ્રોલ તાલુકા મથકે નોંધાયો  છે ધ્રોલમાં ૧૦૧ મીમી એટલે કે ચાર ઇંચ વરસાદ પડ્યો છે.

જો ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો તાલુકા પ્રમાણે સૌથી વધુ વરસાદ જામજોધપુર તાલુકામાં પડ્યો છે. જેમાં શેઠ વડાળામાં ૩૨૯ મીમી એટલે કે 13 ઇંચ વરસાદ નોંધાયો છે જે જીલ્લામાં સૌથી વધુ વરસાદ દર્શાવે છે. આ ઉપરાંત સમાણામાં બાર ઇંચ વરસાદ, વાંસજાળિયામાં ૧૧ ઇંચ વરસાદ અને ધ્રાફામાં 10 ઇંચ  વરસાદ પાડ્યો છે. જયારે જામવાડી અને ધુનડામાં આઠ-આઠ ઇંચ વરસાદ થયો છે અને પરડવા ગામમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.

કાલાવડ તાલુકાના નવાગામમાં ૧૧ ઇંચ વરસાદ થયો છે જયારે ખરેડી અને મોટા પાંચદેવડા ગામમાં દસ-દસ ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત મોટા વડાળામાં છ ઇંચ ઉપરાંત વરસાદ નોંધાયો છે. જયારે ભલસાણ બેરાજા ગામે પોણા પાંચ ઇંચ અને નિકાવા ગામે પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે.

જયારે લાલપુર તાલુકાના પડાણા ગામે સાડા નવ ઇંચ વરસાદ વરસ્યો છે. મોડપર ગામે છ ઇંચ અને હરિપર ગામે સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત તાલુકાના મોટા ખડ્બા ગામે સાડા ચાર ઇંચ અને પીપરટોળા ગામે ચાર ઇંચ વરસ્યો છે. જ્યારે ભણગોર ગામે સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હોવાના સરકારી આકડાઓ સામે આવ્યા છે

જ્યારે જામનગર તાલુકામાં સૌથી વધુ વરસાદ મોટી ભલસાણ ગામે નોંધાયો છે જ્યાં આશરે સાત ઇંચ વરસાદ થયો છે. જયારે તાલુકાના મોટી બાણુંગાર ગામે પાંચ ઇંચ, વસઈ ગામે ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ફલ્લામાં ત્રણ ઇંચ ઉપરાંત વરસાદ પડી ગયો છે. તો લાખા બાવળ અને જામવંથલી ગાલે અઢી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે અલીયાબાડા અને દરેડ ગામે ત્રણ ત્રણ ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો છે. જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો બાલંભા ગામે સૌથી વધુ સાત ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે પીઠડ ગામે છ ઇંચ અને હડિયાણા ગામે સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના છ તાલુકા પૈકી સૌથી ઓછો વરસાદ ધ્રોલ તાલુકામાં નોંધાયો છે જેમાં લૈયારામાં બે ઇંચ અને જાલીયા દેવાણીમાં એક ઇંચ અને સૌથી ઓછો લતીપર ગામે માત્ર ચાર મીમી વરસાદ પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here