જામનગર: સાસુએ નાક પકડતા વરરાજા ગિન્નાયા,પછી જાન લીલા તોરણે પરત…

0
4276

જામનગર : જામનગરમાં નવા બંધાવવા જઈ રહેલ સામાજિક સબંધમાં પેઢીઓ જુનો રીવાજ બાધારૂપ બનતા રંગે ચંગે થતા લગ્ન અધવચ્ચે જ પડી ભાંગ્યા અને રાંધેલું અન્ન રજળી પડ્યું હતું અને જાન લીલા તોરણે પરત ફરી હતી. વાત એમ છે કે અમેરિકન સિટીજનશીપ ધરાવતા વરરાજાનો સાસુએ કાન પકડવાનો રીવાજ નિભાવ્યો ત્યા જ વરરાજાએ તેણીનું જાહેરમાં અપમાન કરી નાખ્યું, બસ પછી શું બંને પક્ષે ઉગ્ર બોલાચાલી બાદ જે યુવતી અમેરિકન યુવાન સાથે પરણવા જઈ રહી હતી તેણે જ વરરાજા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. અને તમામ દાગીના ઉતારીને પરત કરી દીધા હતા. રંગે ચંગે જાન લઇ આવેલ પરિવાર પણ લીલા તોરણે પરત ફર્યો હતો.

જામનગરની એક ભદ્ર પરિવારની એક યુવતીને મૂળ ગુજરાતી પણ હાલ અમેરિકા રહેતા એક યુવક સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. સમયજતા બંનેનો આ સંબંધ વિવાહ સુધી પહોચ્યો હતો. બંને યુગલના પરિવારજનોએ લગ્ન નક્કી કરી નાખી તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી. ગત તા. ૨૦મીના રોજ શહેરની એક હોટેલમાં આમંત્રિત મહેમાનોની હાજરીમાં લગ્ન સમારંભ યોજાયો હતો. ચોરીના ચાર ફેરા પૂર્ણ થાય તે પૂર્વે યુવતીના પરિવારજનોએ વર્ષો જૂની રીતરીવાજો મુજબ લગ્ન પ્રથાને આગળ વધારી હતી. જેમાં એક વિધિ મુજબ વરરાજાની સાસુએ વરરાજાનું નાક પકડવાની વિધિ કરવા આગળ વધતા વરરાજાએ આમ કરવાની ના પાડી હતી. પણ ખાલી નામ માત્ર નાકને સ્પર્સ કરવા જ સાસુએ કહ્યું હતું. આમ કરવાની પણ વરરાજાએ સુગ વ્યક્ત કરી હતી. ત્યારબાદ સાસુએ પોતાનો હાથ વરરાજાના ચહેરા સુધી આગળ ધપાવતા વરરાજા ગિન્નાયા હતા અને બોલાચાલી પર ઉતરી આવ્યા હતા. આનંદથી શરુ થયેલ પ્રસંગમાં અચાનક ગરમાગરમી આવી જતા બંને પરિવારજનો આમને સામને આવી ગયા હતા. પોતાની માતાનું ભાવી પતિએ કરેલ અપમાન સહન નહી થતા અંતે યુવતી મેદાનમાં આવી હતી અને મંડપ વચ્ચે જ જે તે યુવાન સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેને લઈને વરરાજા અને જાનૈયાઓમાં પણ સોપી પડી ગયો હતો. વર પક્ષ તરફથી જે દાગીના આવેલ હતા તે તમામ દાગીના યુવતીએ પરત કરી લીલા તોરણે જાન પરત લઇ જવા જણાવી દીધું હતું. ત્યારબાદ વડીલો વચ્ચે વાતચીત થઇ હતી પરંતુ આ વાતચીત અધૂરા સંબંધને જોડી શકી ન હતી અને જાન લીલા તોરણે પરત ફરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here