જામનગર : સામૂહિક બળાત્કાર પ્રકરણની ગુંજ હજુ સંભળાઇ રહી છે ત્યારે જામનગર નજીકના બેડ ગામના દરિયાકિનારેથી બિલકુલ નગ્ન હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જો કે પોલીસ તપાસમાં મહિલાની ઓળખ સામે આવી છે. જોગવડ ગામની મહિલા માનસિક રીતે પરેશાન હોવાનું સામે આવ્યું છે. કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ મહિલાનું ખાડીમાં ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
જામનગર તાલુકાના બેડ ગામ અને સિક્કા ગામ વચ્ચે આવેલ દરિયાકિનારેથી આજે બિલકુલ નગ્ન હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. અજાણી યુવતીનો મૃતદેહ મળ્યાની વાતને લઈને સિક્કા પોલીસે ઘટના સ્થળે પહોચી તેણીનો મૃતદેહનો કબ્જો સંભાળી, જામનગર ખસેડી પોસ્ટમોર્ટમ કરવા તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ જામનગરમાં દુષ્કર્મનો બનાવ હજુ તાજો જ છે ત્યાં શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરી હતી. સિક્કા પીએસઆઈ સિસોદિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો અને મૃતકને જીજી હોસ્પિટલ ખસેડી પીએમ અને ઓળખ વિધિ હાથ ધરી હતી. જેમાં ૩૭ વર્ષીય મહિલા જોગવડ ગામની હોવાનું અને તેનું નામ સુમિતાબેન બીપીનભાઈ ધારણીયા હોવાનું સામે આવ્યું છે. તેણીના પતી અને પિયર પક્ષે જામનગર પહોચી તેણીની ઓળખ આપી હતી. માનસિક બીમારીથી પીડાતી તેણીની ગઈ કાલે ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક નીકળી ગઈ હતી. એક માત્ર ગાઉન પહેરેલ મહીલા ઘરેથી નીકળી ગયા બાદ તેણીનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો હતો. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર ધરાવતી મૃતક મહિલાના ઘરે અગ્યાર દિવસ પૂર્વે જ ખુસી આવી હતી. ૧૧ દિવસ પૂર્વે જ તેણીએ પુત્રને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું છે. માતાની માનસિક સ્થિતિએ માસુમ પુત્રએ દુનિયાદારી વિષે જાણે તે પૂર્વે જ માતાની હુંફ ગુમાવી છે. શરીરે એક પણ ઈજાના નિશાન મળ્યા ન હોવાનું પીએસઆઈ સિસોદિયાએ જણાવ્યું છે. છતાં પણ તેણીના વિશેરા લઇ એફએસએલમાં મોકલી ડીએનએ સહીતની તજવીજ કરવામાં આવશે એમ જણાવ્યુ હતું.