જામનગર : જામનગર ૧૦૮ની ટીમ અવારનવાર સેવાની સાથે પ્રામાણિકતા દાખવતી આવી છે. ત્યારે વધુ એક વખત ૧૦૮ની ટીમે મુસીબતમાં મુકાયેલ એક યુવાનના રેઢા પડેલા રૂપિયા પરત કરી સેવાની સાથે માનવતા પ્રજ્વલ્લિત કરી છે.
આમ તો અનેક વખત અક્સમાત સહિતની ઈમરજન્સી સેવા પૂરી પાડતી ૧૦૮ પ્રામાણીકતા સામે આવતી જ રહી છે ત્યારે વધુ એક વખત આ જ ટીમે ઉમદા કામગીરીની સાથે માનવતા દર્શાવી અનોખી મિસાલ સામે રાખી છે. વાત એમ છે કે તાજેતરમાં જામનગર નજીક એક અકસ્માતનો કોલ મળતા જ જામનગર ૧૦૮ની ટીમના ઈએમટી રશીલાબેન અને પાયલોટ ધર્મેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોચી ગયા હતા. જ્યાં ખંભાલીયા તાલુકાના નાના આંબલા ગામના ગફારભાઈ કાસમભાઈ સંઘારને તાત્કાલિક પ્રાથમીક સારવાર આપી જામનગર ખસેડ્યા હતા. ઘટના સ્થળેથી ૧૦૮ની ટીમે ઘાયલ યુવાન પાસેથી રોકડા ૪૩૦૦૦ રૂપિયા મળી આવ્યા હતા. આ રોકડ કબજે કરી બંને ૧૦૮ના કર્મચારીઓએ ઘાયલ યુવાનના પત્નીને રોકડ સુપત્ર કરી પ્રામાણિકતા પૂરી પાડી હતી. બંને કર્મચારીઓની પ્રામાણિકતાને હાજર લોકો ઉપરાંત તબીબી સ્ટાફ અને ૧૦૮ ટીમે વધાવ્યા હતા.