જામનગર: પાંચમી વિધાનસભા, જિલ્લાને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન

0
1386

વર્તમાન સમયમાં છેલ્લા 28 વર્ષથી ગુજરાતમાં શાસન કરનાર ભાજપનો ઉદય પાંચમી વિધાનસભાથી થયો હતો. 28 અને 31મી મે 1980માં બે તબક્કામાં યોજાયેલ ચૂંટણીઓમાં કુલ 182 બેઠકોમાંથી ભાજપને 9 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસએ બહુમતી સાથે 141 બેઠકો મળી હતી આ ઉપરાંત જનતા પાર્ટીને એકવીસ અને જનતા પાર્ટી (ચરણસિંઘ) ને એક બેઠક મળી હતી. આ વિધાનસભામાં 10 ઉમેદવારો અપક્ષ ચૂંટાયા હતા. જામનગર જિલ્લાની વાત કરીએ તો વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત સાતમાંથી બે બેઠકો અપક્ષના ફાળે ગઈ હતી. જ્યારે ચાર બેઠકો કોંગ્રેસ અને એક બેઠક જનતાપાર્ટીના ફાળે ગઈ હતી. પાંચમી વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ બાદ સચિવાલયના ઇતિહાસમાં પ્રથમ વખત જામનગરને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું હતું.

કેટલી પાર્ટીઓએ ચૂંટણી લડી ?

બીજેપી-ભારતીય જનતા પાર્ટી

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (મારસિસ્ટ)

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ- આઈ

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ-યુ

જનતા પાર્ટી-જેપી

જનતા પાર્ટી-સેક્યુલર(રાજનારાયણ)

જનતા પાર્ટી સેક્યુલર-(ચરણસિંઘ)

24 જોડિયા વિધાનસભા બેઠક

કેટલા મતદારો, કેટલું મતદાન ?

જામનગર જિલ્લાની 24 જોડિયા વિધાનસભા બેઠક પર 79,653 મતદારો પૈકી 44,324 મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો. 55.65 ટકા થયેલા કુલ મતદાન પૈકી 1533 મત રદ થયા હતા જે કુલ મતદાનના ૩.૪૬ ટકા મત દર્શાવે છે.

કોની વચ્ચે સ્પર્ધા? કોણે બાજી મારી?

આ બેઠક પર કુલ સાત ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેમાં જનતા પાર્ટીના ભાણજીભાઈ ભીમજીભાઈ પટેલને 14,341 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી અપક્ષ ઉમેદવાર માનાણી જયંતીલાલ રવજીભાઈને 13,591 મત મળ્યા હતા. આમ ભાણજીભાઈનો માત્ર 750 મતથી વિજય થયો હતો. અન્ય ઉમેદવારોની વાત કરીએ તો કોંગ્રેસ-આઈના ભીમાણી ડાયાભાઈ દેવસીભાઈને 12,215, ધમસાણીયા વેલજીભાઈ ગગુભાઈ ને 1450 મત, પંડ્યા હરસુખલાલ જગજીવનભાઈ ને 465 મત, શેખવા વિરજીભાઈ માવજીભાઈ ને 395 મત અને ધામેલીયા બાબુલાલ હીરજીભાઈ ને 334 મત મળ્યા હતા.

25 જામનગર વિધાનસભા બેઠક

કેટલા મતદારો, કેટલું મતદાન થયું ?

આ બેઠક પર 90,143 મતદારો નોંધાયા હતા. જે પૈકી 37,321 મતદારોએ પોતાના મતદાનનો અધિકારનો ઉપયોગ કરી 41.40 ટકા મતદાન કર્યું હતું. આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. કોંગ્રેસને 46.76% મત મળ્યા હતા. કુલ માન્ય મત પૈકીના 916 મત રદ થયા હતા.

કેટલા ઉમેદવાર વચ્ચે સ્પર્ધા? કોણ થયું વિજેતા ?

જામનગર જિલ્લાની જામનગર શહેર વિધાનસભાની આ બેઠક પર કુલ 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસના એમકે બ્લોચને 17,022 મત, જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી ભાજપના વસંતભાઈ સંઘવીને 9073 મત મળ્યા હતા. આમ કોંગ્રેસના ઉમેદવારનો 7049 મતથી વિજય થયો હતો.
અન્ય ઉમેદવાર ની વાત કરીએ તો અપક્ષ ઉભેલા લીલાધરભાઇ પટેલને 7,064 મત, જનતા પાર્ટીના વિનોદભાઈ શેઠને 2580 મત, જ્યારે અપક્ષ દાવેદારી કરનાર સોમચંદ શાહને 550 મત કાંતિલાલ તુલસીદાસ ધોળકિયાને 49 મત, વિરજીભાઈ માવજીભાઈ શેખવાને 39 મત અને ઈકબાલ હસન વાંઢાને 28 મત મળ્યા હતા. એમ કે બ્લોચના વિજયને ત્યારે ચાર ચાંદ લાગ્યા જ્યારે મંત્રીમંડળની રચના સમયે તેઓને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા.

26 જામનગર ગ્રામ્ય

કેટલા મતદારો કેટલું થયું મતદાન?

આ બેઠક પર કુલ 98,223 મતદારો નોંધાયા હતા જે પૈકી 20,866 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક પર મતદારો ફરી વખત સુસ્ત રહ્યા હતા અને માત્ર 21.24% મતદાન થયું હતું. આ બેઠક પર થયેલ મતદાન પૈકીના 781 મત રદ થયા હતા.

કેટલા ઉમેદવારો? કોનો થયો વિજય?

એસસી અનામત આ બેઠક પર સાત ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થયો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. કોંગ્રેસના ભાણજીભાઈ કમાભાઈ પરમારને 11,764 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી ભાજપના પિનાકીનભાઈ ધાનાભાઈ મકવાણાને 3821 મત મળ્યા હતા. આમ ભાણજીભાઈ નો 7944 મતથી વિજય થયો હતો. અન્ય ઉમેદવારોની વાત કરીએ તો સીપીઆઈના પરમાર હરજીભાઈ ભારાને 1783 મત, જનતા પાર્ટીના લલિત પુનાભાઈ ચાવડાને 867 મત, કોંગ્રેસ યુનાઇટેડના પરમાર દેવજીભાઈ ચનાભાઈ ને 855 મત, જ્યારે અપક્ષ નાથાભાઈ ભીમજીભાઇ પરમારને 529 મત અને મેઘજીભાઈ રાઠોડને 466 મત મળ્યા હતા.

27 કાલાવડ વિધાનસભા બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન ?

કાલાવડ વિધાનસભા બેઠક પર કુલ 83,107 મતદારો નોંધાયા હતા. જે પૈકી 49,991 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક પર 60.15 ટકા મતદાન થયું હતું .જે પૈકી 1796 મત રદ થયા હતા.

કોની કોની વચ્ચે જંગ ખેલાયો કોણ થયું વિજેતા ?
આ બેઠક પર ત્રણ ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી જેમાં કોંગ્રેસે બાજી મારી હતી. અપક્ષ તરીકે જોરશોરથી ચૂંટણી લડેલા ભીમજીભાઈ વશરામભાઈ પટેલને 27,445 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના કોંગ્રેસના-આઈના ઉમેદવાર છગનભાઈ મેઘજીભાઈ પટેલને 19,893 મત મળ્યા હતા. આ બેઠક અપક્ષ ઉમેદવાર ભીમજીભાઈએ 7552 મતની તોતિંગ સરસાઈથી પ્રાપ્ત કરી હતી.
અન્ય એક અપક્ષ ઉમેદવાર ચંદ્રકાન્તભાઈ કરમશીભાઈ શાહને 857 મત મળ્યા હતા.

28 જામજોધપુર વિધાનસભા બેઠક

કેટલા મતદારો ?કેટલું થયું મતદાન ?

28 જામજોધપુર બેઠક પર કુલ 76,822 મતદારો નોંધાયા હતા જે પૈકી 49,782 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો કુલ 64.80 ટકા થયેલા મતદાન પૈકી 1793 મત રદ થયા હતા.

કેટલા ઉમેદવાર ? કોણે મારી બાજી ?

આ બેઠક જનતા પાર્ટીના ફાળે ગઈ હતી. આ બેઠક પર કુલ ચાર ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં જનતાપાર્ટી (sc)ના ચીમનભાઈ જીવાભાઈ પટેલને 25,638 મત જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસ-આઈના સુરેશચંદ્ર ગોવિંદભાઈ પટેલને 21,885 મત મળ્યા હતા. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો 3753 મતની સરસાઈથી વિજય થયો હતો.
અન્ય ઉમેદવારની વાત કરીએ તો જનતા પાર્ટી એસઆરના કિશોરકુમાર પ્રતાપભાઈ ત્રિવેદીને 259 મત અને અપક્ષ સોમાભાઈ જીવાભાઇ વિંઝુડાને 207 મત મળ્યા હતા.

29 ભાણવડ વિધાનસભા બેઠક

કેટલા મતદારો કેટલું થયું મતદાન?

આ બેઠક પર કુલ 64,496 મતદારો નોંધાયા હતા. જે પૈકી 33,562 મતદારોએ મતદાન કર્યું હતું. 52.04 ટકા થયેલા મતદાન પૈકી 1385 મત રદ થયા હતા. આ બેઠક પર સૌથી વધારે કોંગ્રેસને 38% મત મળ્યા હતા તો એકમાત્ર અપક્ષ ઉમેદવારને 22% મત મળ્યા હતા.

કેટલા ઉમેદવારો કોનો થયો વિજય?

આ બેઠક પર કુલ પાંચ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસે બાજી મારી હતી. કોંગ્રેસના ભીમસીભાઈ કેશુરભાઈ કરંગીયાને 12253 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી અપક્ષ ઉમેદવાર મારખીભાઈ જેઠાભાઈ ગોરીયાને 7,183 મત મળ્યા હતા. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો 5070 મતથી વિજય થયો હતો.
અન્ય ઉમેદવારોની વાત કરીએ તો બીજેપીના મનસુખલાલ જુઠાભાઇ કણસાગરા અને 7089 મત, જનતા પાર્ટી એસઆર ના મેરામણભાઇ દેવાણંદભાઈ રાવલીયાને 4108 મત અને જનતા પાર્ટી-જેપીના સામતભાઈ કાનાભાઈ ભાટીયાને 1544 મત મળ્યા હતા.

30 ખંભાળિયા વિધાનસભા બેઠક

કુલ કેટલા મતદારો કેટલું થયું મતદાન?
આ બેઠક પર કુલ 70,287 મતદારો નોંધાયા હતા. જે પૈકી 41,982 મતદારોએ મતદાન કર્યું હતું. આ બેઠક પર કુલ 59.70% મતદાન નોંધાયું હતું. જે પૈકીના 1339 મત રદ થયા હતા.

કોની કોની વચ્ચે ખેલાયો ચૂંટણી જંગ કોનો થયો વિજય ?

આ બેઠક પર કુલ 8 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી જેમાં વધુ એક વખત અપક્ષ ઉમેદવાર હેમતભાઈ માડમે બાજી મારી હતી. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર હેમતભાઈ રામભાઈ મેડમને 19,152 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસ-આઈના જગજીવનદાસ જમનાદાસ તન્નાને 18,592 મત મળ્યા હતા. આમ અપક્ષ ઉમેદવાર માડમનો 560 મતથી વિજય થયો હતો.
અન્ય અપક્ષ ઉમેદવારોની વાત કરવામાં આવે તો ઈસ્માઈલ જુસબભાઈને 1233 મત, સાજણભાઈ એભાભાઈ ચાવડાને 841 મત, મનસુખલાલ પ્રભુદાસભાઈ ભોગાયતાને 282 મત, હર્ષદલાલ કરસનદાસ રાયઠઠાને 241 મત, કેશવભાઈ મૂળજીભાઈ સથવારાને 154 મત અને નોંઘુભા રાણસંગજીને 128 મત મળ્યા હતા.

31 દ્વારકા વિધાનસભા બેઠક

આ બેઠક પર કુલ 80305 મતદારો નોંધાયા હતા જે પૈકી 38,504 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક પર એવરેજ 47.95 ટકા મતદાન થયું હતું. કુલ મત પૈકીના 1123 મત રદ થયા હતા . કોંગ્રેસના વિજેતા ઉમેદવારને સૌથી વધુ 49.42 ટકા મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના અપક્ષ ઉમેદવારને 40% મત મળ્યા હતા અન્ય બે ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ હતી.

કોની કોની વચ્ચે થઈ સ્પર્ધા કોણ થયું વિજેતા?

પાંચમી વિધાનસભાની દ્વારકા બેઠક પર કુલ ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાઈ હતી. જેમાં કોંગ્રેસના લીલાબેન ગૌરીશંકર ત્રિવેદીએ બાજી મારી હતી. આ બેઠક પર લીલાબેન ને 18,475 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના અપક્ષ ઉમેદવાર માનભા પથુભા જાડેજાને 14,959 મત મળ્યા હતા. આમ લીલાબેનનો 3516 મતથી વિજય થયો હતો. અન્ય ઉમેદવારની વાત કરવામાં આવે તો ભાજપના નટવરલાલ વિઠ્ઠલદાસ ગણાત્રાને 3,729 મત અને અપક્ષ દાવેદારી કરનાર વસંતજીભાઈ દ્વારકાદાસભાઈ કાલાણીને 218 મત મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here