જામનગર : જામનગરમાં ધોરણ દસની પરીક્ષાના ડીપ્રેશનને લઈને ચાલુ સપ્તાહમાં ૧૫ વર્ષીય વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધા બાદ વધુ એક દશમા ધોરણની વિદ્યાર્થીનીઓએ આપઘાત કરી લેતા સમાજચિંતકોની ચિંતામાં વધારો થયો છે. રામેશ્વરનગરમાં રહેતા એક પરિવારની ૧૭ વર્ષીય વિદ્યાર્થીની ધોરણ દસમાં બે વખત નાપાસ થયા બાદ નાસીપાસ થઇ ગળાફાસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હોવાનું સામે આવ્યું છે.

જામનગર જીલ્લામાં વધુ એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. રામેશ્વરનગર વિસ્તારમાં ગાયત્રીનગર શેરી નંબર ત્રણમાં રહેતા બહાદુરસિંહ વાળાની ૧૭ વર્ષીય પુત્રી પુજાબાએ ગત રાત્રે દશેક વાગ્યે પોતાના ઘરે ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી છે. આ બનાવ અંગે તેણીના પિતાએ જાણ કરતા સીટી બી ડીવીજન પોલીસનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો. મૃતકના પિતાએ પોલીસમાં નિવેદન આપ્યું હતું. જે મુજબ પુજાબા ધોરણ દસમાં બે વખત નાપાસ થતા સતત ગુમસુમ રહેતા હતા. જેના કારણે સાડી વડે ગળાફાસો ખાઈ લીધો હતો. પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એક વિદ્યાર્થીનીનો આપઘાત ઘણો દુખદ છે. આજના યુગમાં માતાપિતાની અપેક્ષાઓ અને વિદ્યાર્થીઓની ક્ષમતા વચ્ચે જમીન આકાશનો તફાવત જોવા મળે છે. બાળક વાલીઓની અપેક્ષાઓ પર ખરા ઉતરવા પ્રયાસ તો કરે છે પણ પોતાની ક્ષમતા પ્રમાણે આગળ વધે છે, જેના કારણે વાલીઓ અને સંતાનો વચ્ચે સતત ચડસાચડસી થતી જોવા મળે છે. પરિણામે ભણતરનો ભાર વહન ન થતા વિદ્યાર્થીઓ અંતિમ પગલા તરફ વળે છે એમ સમાજચિંતકો અને મનોવિજ્ઞાનીઓના રીસર્ચમાં પુરવાર થયું છે. જો કે આજે સામે આવેલ કિસ્સો અલગ છે. પરતું વિદ્યાર્થીઓના આપઘાત ખુબ જ ગંભીર બાબત છે એ ચોક્કસ છે.