જામનગર અપડેટ્સ : પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ સહિતની જીવનજરૂરી ચીજોના ભાવવધારાથી કુદકેને ભુસકે વધતી મોંઘવારી સરકારની નિષ્ફળતાનું પરિણામ છે. આ ઉપરાંત કોરોનાના દર્દીઓની સઘન સારવારમાં બેદરકારી અને નિષ્ફળતાથી અસંખ્ય લોકો મોતને ભેટ્યા હતાં. આથી આગામી ધારાસભાની ચૂંટણીમાં હાલારની તમામ સાતેય બેઠકો કોંગ્રેસ જીતશે તેવો દાવો પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જામનગરની મુલાકાત દરમિયાન કર્યો હતો.

મોંઘવારીના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ ઠેર-ઠેર જનચેતના રેલીના કાર્યક્રમો યોજી રહી છે અને લોકમાનસને ભાજપની મહોઝાળમાંથી ડાઇવર્ટ કરીને કોંગ્રેસ તરફી કરવા પ્રયત્ન કરી રહી છે. ગઇકાલે આવો જ એક કાર્યક્રમ જામનગરમાં શહેર અને જિલ્લાના કોંગ્રેસના ઉપક્રમે યોજાયો હતો. જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઇ ચાવડા ખાસ હાજર રહ્યાં હતાં.

જનચેતના રેલીની શરૂઆતમાં કુંવરબાઇ જૈન ધર્મશાળા ખાતે એક સભા યોજાઇ હતી જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યક્રમો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને ઉદબોધન કરતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ સહિતની જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ સતત મોંઘી થતી જાય છે. જે સરકારની વહિવટી અણઆવડત અને નિષ્ફળતાનું પરિણામ છે. આ ઉપરાંત કોરોનાની પ્રથમ બે લહેરોમાં મોટી સંખ્યામાં કોરનાના દર્દીઓ સપડાયા હતાં અને સઘન-સમયસરની સારવાર-સુવિધાના અભાવે અકારણ મોતને ભેટ્યા હતાં. સરકારની બેદરકારીને લીધે કોરોનાની મહામારીએ અનેક પરિવારોનો આધાર છિનવી લીધો હતો તેથી લોકોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળે છે. જનચેતના કાર્યક્રમ થકી કોંગ્રેસ લોકરોષને વાચા આપી રહી છે અને લોકમાનસ પરિવર્તનનો પ્રયાસ કરી રહી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મોંઘવારી અને કોરોનાકાળ દરમિયાનની લોકસેવાની નિષ્ફળતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસને અભૂતપૂર્વ જીત અપાવશે અને બન્ને જિલ્લાની તમામ બેઠક લોકો કોંગ્રેસને જીતાડી ભાજપને શબક શિખવાડશે.

આ પછી જનચેતના રેલી જેલરોડથી શરૂ થઇ હતી. આ રેલીમાં પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો સાયકલ અને ઉંટગાડીમાં સવાર થયા હતાં. આ રેલી પવનચક્કી, દિગ્વીજય પ્લોટ સર્કલ, રણજીતનગર, જનતા ફાટક, સાતરસ્તા સર્કલ, લાલબંગલા સર્કલ થઇ ટાઉનહોલ પહોંચી હતી અને સમાપ્ત થઇ હતી. આ રેલી દરમિયાન પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોએ સરદાર પટેલ, ડો.આંબેડકર વિગેરેની પ્રતિમાને ફુલહાર પણ કર્યા હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ જીવણભાઇ કુંભારવડિયા, શહેર પ્રમુખ દિગુભા જાડેજા, કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડિયા, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરિયા, જામનગર મ.ન.પા.ના વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફભાઇ ખફી, પૂર્વ નેતા અસ્લમભાઇ ખિલજી, યુસુફ ખફી, મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા, પ્રદેશ મહિલા મહામંત્રી સહારાબેન મકવાણા, પ્રદેશ આગેવાન ભીખુભાઇ વારોતરિયા, મૂળુભાઇ કંડોરિયા, કોર્પોરેટર આનંદ રાઠોડ, પૂર્વ નેતા વકીલ આનંદ ગોહિલ, કોર્પોરેટર નુરમામદ પલેજા, ધવલ નંદા, કાસમ જોખિયા, જૈનબ ખફી, રચના નંદાણિયા, પ્રવકતા ભરત વાળા વિગેરે હાજર રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here