જામનગર : જામનગરમાં ગઈ કાલે સાંજે ત્યારે સનસનાટી મચી ગઈ જયારે દિગ્વિજ પ્લોટ વિસ્તારમાં વાળંદની દુકાને રહેલા જામનગર શહેર હિંદુ સેનાના પ્રમુખ પર એક સખ્સે છરી વડે હુમલો કરી હત્યા નીપજાવવાનો હિચકારો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનુ સામે આવ્યું છે. આરોપી સામે અગાઉ થયેલ પોલીસ ફરીયાદમાં ઘાયલ યુવાન સાક્ષી બન્યા હોવાથી આ હુમલો થયો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.
જામનગર શહેરમાં સનસનાટી મચાવનાર બનાવની વિગત મુજબ, જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગઈ સાંજે મેઘજી પેથરાજ સ્કુલની આગળ મુકેશભાઈ વાણંદની કેબીન પાસે શંકર ટેકરી વિસ્તારમાં પારસીના પગથીયે રહેતા અને શહેર હિંદુ સેનાના પ્રમુખ તરીકે કાર્યરત દિપકભાઈ લક્ષ્મણભાઈ પીલ્લે ઉવ.૩૪ નામનો યુવાન વાણંદની કેબીને માથામા તેલ નખાવતા હતા ત્યારે બે આરોપીઓ એક મોટર સાયકલ પર આવી ચડ્યા હતા. બને પૈકીના જામનગરમાં જ રહેતા આરોપી લીયાકત ઉર્ફે લાલો સંધીએ યુવાન કઈ સમજે તે પૂર્વે જ પોતાની પાસે રહેલ છરી વડે મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. જેમાં યુવાનને ડાબા ખંભાના ભાગે તથા બન્ને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. આ હુમલા બાદ સાંજના ભાગે ભરચક રહેતા આ વિસ્તાર સહિત શહેરમાં દોડધામ મચી ગઈ હતી. આ વારદાતને અંજામ આપી આરોપીઓ મોટર સાયકલ પર નાશી ગયા હતા. જેમાં અન્ય એક આરોપીએ લિયાકતને ભાગી જવામાં મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાને પગલે સ્થળ પર પહોચી પોલીસે તથા હિંદુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટ અને તેના અન્ય સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ઘવાયેલ યુવાનને હોસ્પિટલ ખસેડી સારવાર અપાવી હતી. આ બનાવ અંગે યુવાને સારવાર લઇ આરોપી લિયાકત અને તેના સાથીદાર સામે આઈપીસી કલમ ૩૦૭,૩૨૪,૧૧૪ તથા જી.પી. એકટ કલમ-૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હ તાજેતરમાં પૃથ્વીસિહ વાઢેરે મુસલમાનના છોકરાઓ વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી. જેમાં ઘાયલ યુવાન સાક્ષી રહ્યો હતો જેનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે નાશી ગયેલ આરોપીઓને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.