જામનગર : જામનગરની ભાગોળે ખીજડીયા બાયપાસ રોડ પર આવેલ એક હોટેલમાં રાત્રે જમવા માટે ઉભેલા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખેડૂતો સાથે તસ્કરો કળા કરી ગયા છે. સવારે જીરૂનો પાક ભરી રાજકોટ વેચ્યા બાદ પરત ફરતી વેળાએ ખેડૂતો આ હોટેલમાં જમવા માટે રોકાયા હતા. બોલેરોને લોક કરી જમવા ગયા બાદ તસ્કરોએ ગાડીનો કાચ તોડી અંદર રાખેલ રૂપિયા ૩.૮૪ લાખની રોકડ ચોરી કરી ગયા હોવાનું જાહેર થયું છે. પોલીસે હોટેલના સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ હાથ ધરી છે.
જામનગરમાં ખીજડીયા બાયપાસથી કાલાવડ ચોકડી બાયપાસ રોડ કનૈયા હોટલ સામે ગત તા. ૨૩મીની રાત્રે સાડા દસેક વાગ્યે પાર્ક કરેલ જીજે-૩૭-પી-૨૧૯૨ બોલેરો પીક અપ વાહનના પાછળના વિન્ડોનો કાચ તોડી અંદર રાખવામાં આવેલ રૂપિયા ૩,૮૩,૯૩૦ની રોકડ ભરેલ થેલી ચોરી કરી ગયા હતા. આ બનાવની દેવરામભાઈ જેરામભાઈ ડાભી રહે.જુવાનપુર ગામ તા.કલ્યાણપુર, જીલ્લો-દેવભુમી દ્વારકા વાળાએ અણજાણ્યા સખ્સો સામે પંચકોશી એ ડીવીજન પોલીસ દફતરમાં આઈપીસી કલમ ૩૭૯ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામના ખેડૂતો પોતાના ખેતરમાં ઉગાવેલ જીરુંનો પાક ભરી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં વેચાણ કરવા ગયા હતા. જ્યાં જીરું વેચાણ કરી તમામ ખેડૂતો પરત ફરતા હતા. ત્યારે રાત્રે મોડું થઇ જતા ઉપરોક્ત હોટેલમાં જમવા માટે રોકાયા હતા. જમવા જતા પૂર્વે જીરાનુ વેચાણના રોકડ રૂ. ૩,૮૩,૯૩૦ એક પીળા કલરની થેલીમાં રાખી ડ્રાઇવર શીટ પાછળ રાખેલ રાખી દીધા હતા. ત્યારબાદ તમામ જામનગર બાયપાસ રોડ ઉપર આવેલ કનૈયા હોટલ સામે જમવા માટે જતા પૂર્વે રોકડ ભરેલ થેલી ઉપર એક ચાદર ઢાંકી બોલેરો પીકના દરવાજા લોક કરી જમવા ગયેલ હતા અને જમીને પરત આવતા બોલેરો પીકઅપનો કલીનર સાઇડનો દરવાજાનો કાચ તોડી કોઈ સખ્સો રૂપિયા ૩,૮૩,૯૩૦ની ચોરી કરી ગયા હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે પંચકોશી પોલીસે ફરિયાદ નોંધાઈ એએસઆઈ એ.બી.સપીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.