જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામે એલસીબી પોલીસે દરોડો પાડી ટ્રકમાંથી વિદેશી દારૂ-બીયરનો વિશાળ જથ્થો પકડી પાડયો હતો. નદી કાંઠે બન્ને શખ્સો દારૂનું કટીંગ કરી રહ્યા હતાં ત્યારે એલસીબીએ દરોડો પાડી બન્ને શખ્સોને દબોચી લીધા હતાં. દમણ ખાતે પ્લાસ્ટીકના દાણાની બોરીઓ વચ્ચે દારૂને સંતાડી અત્રે લઇ આવવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે. આ પ્રકરણમાં તાજીયા ગેંગના કુખ્યાત સાગરીત યાસુન મોટા સહિત અન્ય ત્રણ શખ્સોની સંડોવણી ખુલવા પામી છે. આ સમગ્ર નેટવર્ક યાસીન મોટો ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
જામનગરના એક સમયના તાજીયા ગેંગના કુખ્યાત સાગરીત એવા યાસીન મોટા દ્વારા પોતાના લૈયારા ગામે વિદેશી દારૂનું મોટુ નેટવર્ક ચલાવવામાં આવતુ હોવાનું એલસીબી પોલીસને ચોક્કસ હકિકત મળી હતી. આ હકિકતના આધારે પોલીસે દરોડો પાડયો હતો. ધ્રોલ તાલુકાના લૈયાર ગામે ગામના પાછળના ભાગે ચેક ડેમ પાસે જીજે 18 એયુ 8378 નંબરના ટ્રકમાંથી દારૂનું કટીંગ કરી રહ્યા હોવાનું ચોકકસ હકિકત મળતા એલસીબીની જુદી જુદી ટીમોએ ચોતરફે દરોડો પાડયો હતો. જેમાં ટ્રકમાંથી દારૂનું કટીંગ કરી રહેલા હુસેન ઉર્ફે બાઉ અકબરભાઇ બ્લોચ રે. ગુલાબનગર, જામનગર, સલીમ ઉર્ફે દાઉદ પઠાણ રે. હુસેની ચોક, હબીબનગર અલીયાબાડા વાળા શખ્સોને એલસીબીએ પકડી પાડયા હતાં. પોલીસે ટ્રકની તલાસી લેતા પ્લાસ્ટીકના દાણાની બોરીઓ વચ્ચે સંતાડેલ રૂા.3,23,200ની કિંમતનો 808 બોટલ દારૂ અને રૂા.2,36,300ની કિંમતના 2363 નંગ બીયરના ટીન મળી આવ્યા હતાં. પોલીસે દારૂનું કટીંગ કરી રહેલા હુસેનભાઇ ઉર્ફે બાઉ ઉમરભાઇ બ્લોચ અને સલીમભાઇની દારૂ બીયરના જથ્થા સહિત રૂા.27,54,500ના જથ્થા સાથે ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછ કરતા આ જથ્થો તાજીયા ગેંગના યાસીન ઉર્ફે મોટો હાજીભાઇ ખેરાણી નામના શખ્સ તેમજ કાસમ અબ્દુલ ખેરાણી અને ઇમરાન ખેરાણી નામના ત્રણ શખ્સોએ અહિં મંગાવી મોટુ નેટવર્ક ઉભુ કર્યુ હોવાનું સામે આવ્યું હતું.
દારૂનો જથ્થો ન પકડાઇ તે માટે રૂા.11.90 લાખની પ્લાસ્ટીકના દાણાની બોરીઓ વચ્ચે જથ્થો સંતાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે યાસીન સહિતના ત્રણ શખ્સોને ફરાર જાહેર કરી પ્રોહિબીશન ધારા મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.