જામનગર તાલુકાના ખીમલીયા ગામે રહેતા એક ખેડૂતે પોતાની જમીનનો સોદો જામનગરના વેપારી સાથે કરી નાખ્યા બાદ આ જ જમીન અન્ય આસામીને વેચીને જમીન કૌભાંડ કર્યું હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. જે વેપારી સાથે ખેડૂતે સોદો કર્યો હતો તેની પાસેથી અમુક રકમ લઈ લીધા બાદ રજીસ્ટર દસ્તાવેજ કરી આપ્યા ન હતા ત્યારબાદ આ જમીન અન્ય વ્યક્તિને વેચાણ દસ્તાવેજ કરી, આસામી પાસેથી લીધેલી મૂડી પરત ન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છેતરપિંડી કર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે.

જામનગર તાલુકાના ખીમલીયા ગામે રહેતા વિરજીભાઈ રામજીભાઈ કટેશીયાએ પોતાની પાદરડુ તરીકે ઓળખાતી ખેતીની પાંચ વીઘા જમીન જામનગરમાં સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ હંસરાજભાઈ નળિયાપરાને વેચી હતી.તા. 12/7/2022 ના રોજ આ જમીનનો ૧૨ લાખમાં સોદો થયો હતો. જમીન ખરીદતી વખતે શૈલેષભાઈએ અમુક રકમ ટોકન પેટે આપી, છ માસ બાદ પૂર્ણ રકમ આપે વેચાણ સહિતનો દસ્તાવેજ કરી આપવાની બાહેનધરી લીધી હતી પરંતુ શૈલેષભાઈની જાણ બહાર વિરજીભાઈએ આ જમીન તારીખ 9/9/2022 ના રોજ અન્ય વ્યક્તિને વેચાણ કરી દઈ, વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. જેની જાણ થતા શૈલેષભાઈએ વિરજીભાઈના ગામ પહોંચી પોતાના ચૂકવેલ રકમ ફરી પરત કરવા કહ્યું હતું. જેને લઈને વીરજીભાઈએ અહીં ફરી આવશો તો જીવતા જશો નહીં તેવી મારી નાખવાની ધમકી આપી લીધેલી રકમ પરત ન કરી દસ્તાવેજ ન કરી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. ત્યારબાદ શૈલેષભાઈએ પંચકોષી બી ડિવિઝન પોલીસ દફતરમાં વીરજીભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.