જામનગર : રિલાયન્સ સામે આંદોલન !! આપ પાર્ટીના નેતાના નામે મંજૂરી પત્ર વાયરલ, પછી થયું આવું

0
2978

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના મોટી ખાવડી ખાતે તાજેતરમાં થયેલું આંદોલન વિવાદમાં આવ્યું છે. કલેકટર કચેરી દ્વારા આ આંદોલન અંગે મંજુરી ન આપવામાં આવી છતાં કોઇ શખ્સોએ બનાવટી પત્ર બનાવી સોશ્યલ મિડીયામાં વાયરલ કરી દીધો હતો. જેને લઇને કલેકટર કચેરી દ્વારા અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામે તાજેતરમાં આંદોલન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે કોઇ શખ્સો દ્વારા સોશ્યલ મિડીયામાં આમંત્રણ આપતો પત્ર વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં કલેકટર કચેરીના લેટરપેડ અને કલેકટરની સહી વાળો પત્ર હતો. જો કે આ આંદોલન અંગે કલેકટર કચેરી દ્વારા આવો કોઇ પત્ર કે મંજુરી આપવામાં આવી ન હતી. આ બાબત ધ્યાને આવતા કલેકટર કચેરી હરકતમાં આવી હતી. આ બાબતને લઇને કલેકટર કચેરીમાં નોકરી કરતા મનીષકુમાર નાથાભાઇ તાળાએ ફરિયાદ નોંધાવી હતી. સીટી બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આવી છે ફરિયાદ…

ગત તા.4-8-2021ના રોજ જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી જામનગરના નામે આમ આદમી પાર્ટીના લાલપુર તાલુકા સંગઠનના મંત્રી ફફલ કિરણકુમારના નામે મોટી ખાવડી ખાતેની રિલાયન્સ કંપની સામે મંડપ ખોડી આંદોલન – ધરણા કરવા માટેની મંજુરી આપતો પત્ર ગત તા.5મીના રોજ મંજુરી દર્શાવતો પત્ર સોશ્યલ મિડીયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાં કલેકટર તંત્ર હરકતમાં આવ્યુ હતું અને પોલીસમાં અરજી કરવામાં આવી હતી. એ તપાસ દરમિયાન ઉપરોકત વાયરલ થયેલો પત્ર બનાવટી હોવાનું સામે આવ્યું હતું. આ પત્રમાં કલેકટર કચેરીના લેટરપેડ અને રાઉન્ડ સીક્કાનો ઉપયોગ કરી આંદોલન-ધરણા માટેની મંજુરી મળી ગઇ છે તેમ બહાર આવ્યુ હતું જોકે આવી કોઇ પ્રક્રિયા કરવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here