જામનગર : ખેડૂતોના લાખો રૂપિયાની આ સખ્સે કરી હતી ચોરી, ચોરની ઓળખ થતા ખેડૂતો ચોંકી ગયા

0
1933

જામનગર : જામનગરની ભાગોળે ખીજડીયા બાયપાસ રોડ પર આવેલ એક હોટેલમાં રાત્રે જમવા માટે ઉભેલા દેવભૂમિ  દ્વારકા જીલ્લાના ખેડૂતોના લાખો રૂપિયાની ચોરી થયા બાદ પંચકોશી એ ડીવીજન પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. ચોરની ઓળખ સામે આવતા ખેડૂતો પણ ચોંકી ગયા છે. સારી  વાત એ છે કે ખેડૂતોને પોતાની તમામ રકમ પરત મળી ગઈ છે.

જામનગરમાં ખીજડીયા બાયપાસથી કાલાવડ ચોકડી બાયપાસ રોડ કનૈયા હોટલ સામે ગત તા. ૨૩મીની રાત્રે સાડા દસેક વાગ્યે પાર્ક કરેલ જીજે-૩૭-પી-૨૧૯૨ બોલેરો પીક અપ વાહનના પાછળના વિન્ડોનો કાચ તોડી અંદર રાખવામાં આવેલ રૂપિયા ૩,૮૩,૯૩૦ની રોકડ ભરેલ થેલી ચોરી કરી ગયા હતા. આ બનાવની દેવરામભાઈ જેરામભાઈ ડાભી રહે.જુવાનપુર ગામ તા.કલ્યાણપુર, જીલ્લો-દેવભુમી દ્વારકા વાળાએ અણજાણ્યા સખ્સો સામે પંચકોશી એ ડીવીજન પોલીસ દફતરમાં આઈપીસી કલમ ૩૭૯ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામના ખેડૂતો પોતાના ખેતરમાં ઉગાવેલ જીરુંનો પાક ભરી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં વેચાણ કરવા ગયા હતા. જ્યાં જીરું વેચાણ કરી તમામ ખેડૂતો પરત ફરતા હતા. ત્યારે રાત્રે મોડું થઇ જતા ઉપરોક્ત હોટેલમાં જમવા માટે રોકાયા હતા. જમવા જતા પૂર્વે જીરાનુ વેચાણના  રોકડ રૂ. ૩,૮૩,૯૩૦ એક પીળા કલરની થેલીમાં રાખી ડ્રાઇવર શીટ પાછળ રાખેલ રાખી દીધા હતા. ત્યારબાદ તમામ જામનગર બાયપાસ રોડ ઉપર આવેલ કનૈયા હોટલ સામે જમવા માટે જતા પૂર્વે રોકડ ભરેલ થેલી ઉપર એક ચાદર ઢાંકી બોલેરો પીકના દરવાજા લોક કરી જમવા ગયેલ હતા અને જમીને પરત આવતા બોલેરો પીકઅપનો કલીનર સાઇડનો દરવાજાનો કાચ તોડી કોઈ સખ્સો રૂપિયા ૩,૮૩,૯૩૦ની ચોરી કરી ગયા હોવાનું જાહેર થયું હતું.

આ બનાવ અંગે પંચકોશી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં ખેડૂતો સામે રહેલ ચાલક સાથે જમવા બેઠો ન હોવાનું સામેં આવ્યું  હતું. શૌચક્રિયા કરવા ચાલક રોકાયા બાદ ચોરી થઇ હોવાનું જાહેર થયું હતું. જેને લઈને પોલીસને ચાલક પર શંકા ગઈ હતી અને તેની પૂછપરછ કરી હતી. શરૂઆતમાં નાકબુલ ગયા બાદ આ સખ્સે ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોતાને પૈસાની જરૂર હોવાથી ચોરી કરી હોવાની ચાલક હેમત દેવરાજ નકુમ રે. જુવાનપુર, કલ્યાણપુર વાળા સખ્સે કબુલાત કરી હતી. શંકા ન જાય તે માટે પથ્થરથી દરવાજાનો કાચ તોડી નાખ્યો હોવાની કબુલાત કરી રૂપિયા ભરેલ થેલી સમરસ હોસ્ટેલ પાછળ રોડ કાઠે આવેલ બાવળની જાડીમાં ફેકી દીધી હોવાનું જણાવતા પોલીસે તેને સાથે રાખી જે તે સ્થળેથી થેલી કબજે કરી હતી. આ થેલીમાંથી રૂપિયા અને જીરું વેચાણના બીલ મળી આવ્યા હતા. પોલીસે ચાલક હેમતની ધરપકડ કરી રૂપિયા કબજે કર્યા હતા. આ કાર્યવાહી પંચકોશી એ ડીવીજન પીએસઆઈ ડીપી ચુડાસમા, સ્ટાફના હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મગનભાઈ ચંદ્રપાલ, જીગ્નેશ વાળા સહિતના સ્ટાફે પાર પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here