જામનગર રેલ્વે સ્ટેશનથી આજે રેલ્વે ઈતિહાસનો નવો અધ્યાસ શરુ થઇ રહ્યો છે. સંપૂર્ણ ભારત દ્વારા નિર્મિત વંદે ભારત ટ્રેઈનનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાઈને પ્રારંભ કરાવ્યો છે. ગુજરાતની આ ત્રીજી ટ્રેઈન અન્ય ટ્રેઈન કરતા કઈ રીતે જુદી પડે છે ? શું વિશેષતાઓ છે ? અમદાવાદ પહોચતા કેટલો સમય લાગશે ? ક્યા ક્યા સ્ટેશન પર સ્ટોપેજ છે ? કેટલું ભાડું છે ? કેવી વ્યવસ્થા છે ? સહિતની માહિતી જાણવા આ અહેવાલ વિગતવાર વાંચજો.
આજે દેશના જુદા જુદા રાજ્યોમાં નવ વંદે ભારત ટ્રેઈનનો પ્રારંભ થયો છે. દેશના વડાપ્રધાન દ્વારા જામનગર અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેઈન સહીત ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ-બેંગ્લોર, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કાસરગોડ તિરૂવનંતપુરમ વચ્ચે ટ્રેઈનને દિલ્લી ખાતેથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યો હતો.
પશ્ચિમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર “મેક ઈન ઈન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” ની વિભાવનાને સાકાર કરવા માટે, ભારતીય રેલવે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલી, દેશભરમાં વિવિધ શહેરો અને નગરોને જોડતી સ્વદેશી બનાવટની સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોનું સંચાલન કરી રહી છે. તેની આકર્ષક એરોડાઈનેમિક ડિઝાઈન, ઈન્ટિરીયર્સ, અદ્યતન સુવિધાઓ, આરામદાયક યાત્રા, સુરક્ષા વ્યવસ્થાપનો અને સુરક્ષિત યાત્રાના ધારાધોરણો સહિતની વંદે ભારત ટ્રેનો યાત્રીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને દેશમાં એવી ટ્રેનો વધારે ચલાવવા માટે અત્યંત ઉત્સાહ છે. હાલમાં, પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ, અમદાવાદ (સાબરમતી) – જોધપુર અને ઈન્દોર – ભોપાલ વંદે ભારત એક્સપ્રેસ જેવી ત્રણ જોડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ચાલી રહી છે.
પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 22925 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે.આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે.આ ટ્રેન અમદાવાદથી 17.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે જામનગર પહોંચશે.તેવી જ રીતે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે.આ ટ્રેન જામનગરથી 05.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને બુધવારે નહીં ચાલે.
આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે.ટ્રેન નંબર 22925 અને 22926 માટે બુકિંગ 24 સપ્ટેમ્બર, 2023 થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે.
શ્રી ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે બીજી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવશે.ટ્રેન નંબર 20979/20980 ઉદયપુર સિટી-જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ પશ્ચિમ રેલવેના ચિત્તોડગઢ સ્ટેશન પર રોકાશે .ઉદયપુર સિટી-જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે.આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે.ટ્રેન નંબર 20979 ઉદયપુર સિટી-જયપુર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 09.25 કલાકે ચિતોડગઢ પહોંચશે અને 09.35 કલાકે ઉપડશે.એ જ રીતે, ટ્રેન નંબર 20980 જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 19.45 કલાકે ચિતોડગઢ પહોંચશે અને 19.55 કલાકે ઉપડશે.
બીજી તરફ રેલ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, જામનગરથી અમદાવાદ માટે ચેરકારનું ભાડું રૂપિયા ૯૫૫ અને એક્જીક્યુટીવ ચેર કલાસનું ભાડું રૂપિયા ૧૭૯૦ રાખવામાં આવ્યું છે. જયારે અમદાવાદથી જામનગર આવવા માટે ચેર કલાસનું ભાડું રૂપિયા ૧૧૨૦ અને એક્ઝીક્યુટીવ કલાસનું ભાડું રૂપિયા ૧૯૮૫ નક્કી કરાયું છે.
પીઆરઓ ઠાકુર એ વધુમાં જણાવ્યું, એવું નથી કે માત્ર યાત્રીઓ જ છે કે જે આ વંદે ભારત ટ્રેનો વિશે ગર્વ અને આનંદ અનુભવે છે. રેલવે કર્મચારીઓ જે આ વિશ્વ કક્ષાની ટ્રેનમાં તેમની ફરજ નિભાવવા દ્વારા રાષ્ટ્રને તેમની સેવાઓ આપે છે તેઓ દ્વારા પણ સમાન રૂપે લાગણીઓ વ્યક્ત કરે છે. તેમના અનુભવો શેર કરતાં સમયે, આ વંદે ભારત એક્સપ્રેસના સંચાલનમાં જોડાયેલ રેલવે કર્મચારીઓ જણાવે છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં કામ કરવું એ તેમના માટે ખૂબ જ વિશેષ અને યાદગાર છે. લોકો પાયલોટ અને સિનિ. લોકો પાયલોટ તેમના અનુભવો શેર કરતાં જણાવ્યું કે આ આધુનિક ટ્રેન સેટને ચલાવવી એ તેમના માટે ગર્વની બાબત છે. આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ વંદે ભારતની ડ્રાઈવર કેબિનમાં બેસવાથી અને આ આધુનિક ટ્રેન સેટનું સંચાલન કરવાથી તેમને આત્મ-સંતોષ મળે છે. વંદે ભારત ટ્રેન તેની મેળે જ ભિન્ન અનુભવ કરાવે છે. જ્યારે યાત્રીઓ આ લોકપ્રિય ટ્રેનની પૃષ્ઠભૂમિની સામે ફોટા પડાવે છે તે અમારામાં ગર્વની ભાવના જગાડે છે. તેઓ આ ટ્રેનના લક્ષણોના વખાણ કરે છે અને એવી વધુ ટ્રેનોની અપેક્ષા રાખે છે.
તેવી જ રીતે, ટિકિટ ચેકિંગ સ્ટાફ પણ આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર યાત્રીઓની ટિકિટો ચેક કરતાં સમયે ખૂબ ગર્વે અનુભવે છે. યાત્રીઓ આ ટ્રેનમાં તમામ સુવિધાઓ અને સફાઈ વિશે હકારાત્મક અભિગમ દર્શાવે છે. તેઓ શ્રેષ્ઠ અને આધુનિક સુવિધાઓથી સુસજ્જ વંદે ભારત ટ્રેન ચલાવવા માટે ભારતીય રેલવેઝ ઉપર પ્રશંસાઓ વરસાવે છે. આ પ્રશંસાઓ અને વખાણ તેમજ યાત્રીઓના ચહેરા પરના સ્મિત તેમને પ્રોત્સાહિત કરે છે. તેઓ આ ટ્રેનમાં કામ કરીને ઘણા ખુશ છે. કેટરીંગ સ્ટાફ, લાઈટીંગ અને એર કન્ડિશનીંગ સ્ટાફ, રેલવે સુરક્ષા દળ અધિકારીઓ વગેરે જેઓ આ ટ્રેનમાં કાર્યરત છે તેઓ પણ વંદે ભારતમાં તેમની સેવાઓ માટે ઘણા ઉત્સાહિત છે અને માને છે કે તેઓ દેશવાસીઓને શ્રેષ્ઠ પરિવહન ઉપલબ્ધ કરાવવામાં તેમનો શ્રેષ્ઠ ફાળો આપી રહ્યા છે.
આ પશ્ચિમ રેલવે વંદે ભારત ટ્રેનોમાં કાર્યરત રેલવે કર્મચારીઓના પરિવારોએ પણ તેમની ખુશી અને આનંદ વ્યક્ત કર્યા. બાળકો તેમના મિત્રોને જણાવવામાં ખૂબ જ ગર્વ અનુભવે છે કે તેમના પિતા દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ ચલાવી રહ્યા છે. તેઓ સૌ એ જણાવવામાં પણ વધારે ગર્વ અનુભવે છે કે આ આધુનિક ટ્રેન સેટ જે વિશ્વની અન્ય અદ્યતન ટ્રેનોની સમકક્ષ છે તે મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ ભારતમાં નિર્માણ કરવામાં આવી છે.