જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં મોડીરાત્રે ચાર પાંચ શખ્સોએ હુમલો કરી એક પરપ્રાંતિય યુવાનની કરપીણ હત્યા નિપજાવી છે. મૃતકના ભાઇને પાંચ પૈકીના એક આરોપી સાથે વાહન ચલાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ પાસે આરોપીઓએ હુમલો કરી મૃતકના ભાઇનું ઢીમ ઢાળી દીધું હોવાની વિગતો સામે આવી છે. આ બનાવના પગલે નાસી ગયેલા શખ્સો સુધી પહોંચવા પોલીસે તપાસ હાથ ધરી છે.

જામનગરમાં હત્યાનો વધુ એક ગંભીર બનાવ બન્યો છે. શહેરના ઇન્દિરા સોસાયટી શેરી નંબર એકમાં રહેતા રાજેશ જગદીશભાઈ કૌશિક નામના ૩૫ વર્ષીય યુવાનની ઘરે આવેલા પાંચ અજાણ્યા શખ્સોએ હત્યા નિપજાવી છે. આ બનાવની મૃતકના પરિવારજનો માંથી મળતી વિગત મુજબ ગઇકાલે રાત્રે મુતક રાજેશભાઈના ભાઈ પોતાને ઇકો કાર લઇ પોતાના ઘરની શેરી તરફ વળી રહ્યા હતા ત્યારે સામેથી આવી ચઢ્યા બે બાઇક સવારો એ બોલાચાલી કરી હતી. તે દરમિયાન બંને બાઈક ચાલકો પરત આવી માર મારવાની ધમકી આપી નાસી ગયા હતા. જેને લઈને મૃતકના ભાઈએ મૃતકને ફોન કરી ઘરે બોલાવી લીધા હતા.

દરમિયાન થોડી વાર બાદ આવી ચડેલા શખ્સોએ પરપ્રાંતીય પરિવારના સભ્યો પર હુમલો કરી, માર મારી નાસી ગયા હતા. જેમાં આરોપી પૈકીના એક શખ્સે રાજેશભાઈને સાથળના ભાગે છરીના ઘા મારીગંભીર ઇજા પહોંચાડી હતી. જેને લઇને લોહીના ફુવારા ઉડયા હતા અને રાજેશભાઈ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. દરમિયાન પરિવારજનોએ તેઓને હોસ્પિટલ ખસેડયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું અને આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવના પગલે જામનગર એલસીબી અને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે નાસી ગયેલા પાંચેય આરોપીઓની ઓળખ મેળવવા માટે અને ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બે પુત્રીઓ ના પિતા એવા યુવાનની હત્યા થઈ જતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.





