જામનગર અપડેટ્સ : હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગઈ કાલે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રચાયો હતો. જામનગરીઓ જેની કાગાડોળે રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજ ગઈ કાલે રાત્રે ઝમાઝમ વરસ્યા હતા. ગઈ કાલે જીલ્લામાં એક થી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.

જામનગર જીલ્લામાં ગઈ કાલે રચાયેલ મેઘાવી માહોલ આજે પણ અવિરત રહ્યો છે. સવારથી જ આકાશ ગોરંભાઈ રહ્યું છે. આજે પણ વરસાદની આશા અવિરત છે ત્યારે ગઈ કાલની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ( સવારે છ થી આજ સવારના છ વાગ્યા સુધી) જીલ્લામાં એકથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં ધ્રોલ અને જોડિયા તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ, જામનગરમાં બે ઇંચ, કાલાવડ તાલુકા મથકે પોણા બે ઇંચ અને લાલપુર તેમજ જામજોધપુરમાં અનુક્રમે એક અને પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. ગઈ કાલે રાત્રે જામનગરમાં રાત્રે સાતથી આઠ વાગ્યા દરમિયાન પડેલા ધીંગા વરસાદથી જુના રેલ્વે સ્ટેશન સામે પેટ્રોલપંપ પાસે, બેડી ગેઇટ, જયશ્રી સિનેમા શેરી, ભીમવાસ મુખ્ય માર્ગ, જલારામનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

જયારે ગ્રામ્યની વાત કરવામાં આવે તો, જામનગર તાલુકાના વસઈમાં પોણા બે ઇંચ, લાખાબાવળમાં સવા ઇન્ચ, મોટી બાણુંગારમાં પોણા બે ઇંચ, ફલ્લામાં બે ઇંચ, જામ વંથલીમાં અઢી ઇંચ, ધુતારપરમાં પોણા ચાર ઇંચ અને અલીયાબાડામાં બે ઇંચ તેમજ દરેડમાં એક ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો.
જયારે જોડિયા તાલુકાના હડિયાણા ગામે બે ઇંચ, બાલંભા અને પીઠળ ગામે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.

જયારે ધ્રોલ તાલુકાના લતીપર ગામે ત્રણ, જાલીયા દેવાણી અને લૈયારા ગામે અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.
જયારે કાલાવડ તાલુકાના નિકાવા ગામે એક, ખરેડી, મોટા વડાળા, નવા ગામમાં અને બેરાજા ગામે એક-એક ઇંચ તેમજ મોટા પાંચ દેવડા ગામે પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો.
જયારે જામજોધપુરના સમાણા, ધૂનડા, જામવાડી અને પરડવા ગામે પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમજ શેઠ વડાળામાં એક, વાંસજાળિયામાં પોણા બે ઇંચ અને ધ્રાફામાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો.
જયારે લાલપુર તાલુકાના પીપર ટોળા અને પડાણા, મોડપર અને ડબાસંગ ગામે દોઢ ઇંચ અને ભણગોર ગામે એક ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે મોટા ખાડબા ગામે ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.