જામનગર : મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા માટે ખેલાયું ગજબનું રાજકારણ

0
1053

જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા 11 માસ પછી પણ સર્વાનુમતે નક્કી નહી કરી શકનાર કોંગ્રેસ પક્ષની નેતાગીરીએ આખરે વિવાદ ટાળવાના હેતુથી બે કોર્પોરેટરને એક-એક વર્ષની ટર્મ આપવાનો નિર્ણય લેવો પડયો છે. જો કે, તેમા પણ પહેલા કોને ચાન્સ આપવો તે અંગે છેલ્લી ઘડી સુધી લોબીંગ ચાલી રહ્યું છે. 15મી જાન્યુઆરીએ સાંજ સુધીમાં નિર્ણય લેવાય તેવી શકયતા કોંગ્રેસના સુત્રોએ વ્યકત કરી છે.

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 21 ફેબ્રુઆરી 2021ના રોજ યોજાઇ હતી અને 28 ફેબ્રુઆરીએ મતગણતરી બાદ પરિણામ જાહેર થયું હતું. માર્ચ માસમાં પ્રથમ સામાન્ય સભા મળી હતી. આમ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાયાને 11 માસ જેટલો સમય થઇ ગયો છે. આમ છતા આંતરિક જૂથવાદ અને  દાવેદારો વચ્ચેની સમજૂતીના અભાવે કોંગ્રેસે આજ સુધી વિપક્ષના નેતાની પસંદગી કરી નથી અને ગત પાંચ વર્ષ સારી રીતે વિપક્ષની બાગડોર સંભાળનાર અલ્તાફભાઇ ખફીને જ નેતાનો હવાલો આપ્યો હતો.

એક ચર્ચા મુજબ વિપક્ષના નેતા માટે કોંગ્રેસના 11માંથી 5 કોર્પોરેટરો સક્ષમ દાવેદાર હતા જેમાં  ધવલ નંદા, આનંદ રાઠોડ, રચનાબેન નંદાણીયા, જેનબબેન ખફી અને નૂરમામદ પલેજાનો સમાવેશ થાય છે. આ પૈકી ધવલ નંદા અને નુરમામદ પલેજા પ્રથમ વખત ચુંટાયા છે જયારે અન્ય ત્રણ દાવેદાર રીપીટ ચુંટાયા છે. કોંગ્રેસના સ્થાનિક અને પ્રદેશકક્ષાના નેતાઓ વચ્ચે વિપક્ષના નેતા પદ માટે રસ્સાખેંચ જેવો તાલ સર્જાયો હતો પરિણામે વિપક્ષના નેતા અંગે સર્વાસમતિ સધાઇ ન હતી. પરિણામે  કોંગ્રેસે બે દાવેદારને રેસમાં ફાઇનલ ગણી બન્નેને એક-એક વર્ષ માટે નેતા પદ આપવાનો નિર્ણય કર્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ મામલે આજે કાર્યવાહક નેતા અલ્તાફભાઇ ખફીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા જે કોઇની પસંદગી થશે તેને અમે સ્વીકારીશુ અને સમર્થન આપીશું. આ અંગે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા જાડેજા)નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, પ્રદેશ નેતાગીરીએ બે નામ પસંદ કરીને બંધ કવરમાં જામનગર કોંગ્રેસને મોકલી આપ્યા છે. 15મી જાન્યુઆરીએ કમુર્હુતા પુરા થઇ રહ્યા છે તેથી 15મી એ સાંજ સુધીમાં આ બન્ને નામમાંથી એક નામની પ્રથમ એક વર્ષ માટે નેતા પદે પસંદગી કરવામાં આવશે. જયારે બીજાને એક વર્ષ પછી નેતા પદે બેસાડાશે. આધારભૂત સુત્રોનું માનવામાં આવે તો આ બંને નામમાં ધવલ નંદા અને આનંદ રાઠોડનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here