જામનગર : જામજોધપુર તાલુકાના ગોપ ગામ નજીક પુર ઝડપે પસાર થતી કાર ઝાડ સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં જામનગરના બાવાજી પરિવારના મહિલાનું પતિ અને પુત્રની નજર સામે જ મૃત્યુ નીપજ્યું છે. બનાવની કરુણતા એ છે કે જામજોધપુર પંથકમાં સુવાવડ કરવા ગયેલ ઘાયલ પુત્રની વહુને પ્રસુતિ આવે તે પૂર્વે જ દાદીમાં બનવા જઈ રહેલા મહિલાનું મૃત્યુ નીપજ્યું છે.
શહેરના ગુલાબનગર વિસ્તારમાં રંગમતી સોસાયટી-૨ રાજપાર્કમાં રહેતા પ્રવીણપૂરી સોમપુરી ગોસાઇ અને તેમના પત્ની અલ્કાબેન તથા પુત્ર દિવ્યેશ ગઇકાલે સવારે પોતાની કાર લઈ જામનગરથી જામજોધપુર તાલુકાના બાલવા ગામે જતાં હતા. ત્યારે જામજોધપુર તાલુકાના મોટી ગોપથી ત્રણ પાટિયા વચ્ચે આવેલ ૬૬કેવી સામે પૂરઝડપે પસાર થતી કાર રોડ નીચે ઉતરી ઝાડ સાથે અથડાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં અલ્કાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેમજ દરવાજો ખૂલી જતાં ફાંગોળાઈ ગયેલા તેમના પુત્ર દિવ્યેશ અને પતિ પ્રવિણપુરીને ઇજાઓ પહોચી હતી. દરમિયાન ત્રણેયને જામનગર ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પૂર્વે જ અલ્કાબેનનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે પિતા પુત્રને સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે ચાલક પ્રવીણપૂરી સામે ફરિયાદ નોંધી હતી. મૃતકના પુત્ર દિવ્યેશની પત્ની પ્રથમ વખતની ડિલીવરી પર હોય અને બાલવા ગામે પિયરમાં ડિલીવરી આવવાની હોવાથી તેઓ ત્યાં જઇ રહ્યા હતા. પોતાના પૌત્ર કે પૌત્રીનું મોઢું જુએ તે પૂર્વે જ મહિલાના મૃત્યુથી બંને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.