જામનગર: જામનગર શહેરના ગાયનેક તબીબ સામેની એફઆરઆઈ રદ કરવા માટે હાઈકોર્ટમાં કરવામાં આવેલ અરજી રદ કરવામાં આવી છે. થોડા વર્ષો પૂર્વે મહિલા તબીબ પોતાના કલીનકમાં જ સગર્ભા મહિલાનું જાતી પરીક્ષણ કરાવતા આબાદ પકડાયા હતા. જીલ્લા આરોગ્યની ટીમ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરી મહિલા તબીબને પકડી પાડવામાં આવ્યા હતા. દરમિયાન પોતાના સામે કરવામાં આવેલ એફઆરઆર રદ કરવા વડી અદાલતનો સહારો લીધો હતો. હાઈકોર્ટએ ફરિયાદની ગંભીરતા ધ્યાને રાખી ફરિયાદ રદ કરવાની માંગણી ફગાવી દીધી છે.
જામનગર જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સ્ટીંગ ઓપરેશન પાર પાડી ખાનગી કલીનીક ચલાવતા ગાયનેક ડોક્ટર રેણુકા શાહને જાતી પરીક્ષણ કરતા પકડી પાડવામાં આવ્યા હતા. કોઈ પણ સગર્ભા મહિલાના ગર્ભનું જાતી પરીક્ષણ કરવું એ કાયદાકીય રીતે અતિ ગંભીર ગણાવાયું છે. છતાં પણ મહિલા તબીબ ઉંચી ફી વસુલી જાતિ પરીક્ષણ કરતા મળી આવ્યા હતા. આરોગ્યની ટીમે મહિલાને મોકલી સ્ટીંગ ઓપરેશન પાર પાડ્યું હતું. જે તે સમયે મહિલા તબીબ સામે જુદી જુદી ધારાઓ મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી અને તપાસ બાદ સ્થાનિક કોર્ટમાં ચાર્જસીટ પર રજુ કર્યું હતું. કોર્ટ કાર્યવાહી વચ્ચ્ચે મહિલા તબીબ દ્વારા હાઈકોર્ટનો સહારો લેવામાં આવ્યો હતો. નગરના મહિલા ગાયનેકોલોજીસ્ટ દ્વારા હાઈકોર્ટમાં કવોશિંગ પીટીશન દાખલ કરવામાં આવ્યા બાદ વડી અદાલતે આ પીટીશન ફગાવી દીધી છે. ફરિયાદ બાદ ચાર્જસીટ પણ રજુ કરી દેવામાં આવ્યું છે જવાબદાર તંત્ર દ્વારા મેજીસ્ટ્રેટ સમક્ષ આરોપી ડોક્ટર વિરુદ્ધ જોગવાઈ મુજબ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. આવા સમયે વડી અદાલતની દરમિયાનગીરીની કોઈ આવશ્યકતા રહેતી નથી એમ કહી કોર્ટે કવોશિંગ પીટીશન કાઢી નાખી છે. સાથે સાથે ટ્રાયલ કોર્ટને પણ નિર્દેશ કર્યો છે કે આ ગમ્બીર કેસને પ્રાથમિકતા આપી અગામી વર્ષના જુન માસ સુધીમાં ટ્રાયલ ચલાવી લેવા પણ કહ્યું છે. જામનગરના ગાયનેકોલોજીસ્ટ ઉપરાત મહેસાણાના તબીબ સામે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી. વડી અદાલતે આ બંને કેસમાં ઉપરોક્ત સંયુક્ત નિર્દેશ કર્યો છે.