જામનગર: ગુજસીટોક પ્રકરણમાં આ પાંચ આરોપીઓ જામીન મુક્ત

0
1370

જામનગર શહેરના અતિ ચકચારી ગુજસીટોક પ્રકરણમાં આખરે પોણા બે વર્ષ બાદ પાંચ આરોપીઓને સુપ્રીમ કોર્ટે જામીનમુક્ત કર્યા છે. શહેરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ અને તેની વાઈટ કોલર ગેંગ સામે બે વર્ષ પૂર્વે પોલીસે ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરી હતી. આ કેસમાં જમીન માફિયા જયેશ પટેલ હાલ જેલમાં છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે. આ પ્રકરણમાં હાલ નવ આરોપીઓ રાજ્યની જુદી જુદી જેલમાં બંધ છે.

છેલ્લા એક દાયકામાં જામનગરમાં હત્યા, લૂંટ મારામારી, ધમકી અને એક બાદ એક જમીન કૌભાંડ આચરી જામનગરનો જયેશ પટેલ કુખ્યાત બન્યો હતો. સમય જતા જયેશ પટેલે પોતાની ગુનાખોરીની પડદા પાછળની વાઈટ કોલર ગેંગ ઊભી કરી હતી. જેને લઇને શહેરમાં ખૂબ ભય ફેલાવ્યો હતો. વર્ષ 2018માં શહેરના નામાંકિત વકીલ કિરીટ જોશીની હત્યા નિપજાવ્યા બાદ જયેશ પટેલ શહેરમાંથી ફરાર થઈ ગયો હતો. જે આજ દિવસ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી. પોતાના અજ્ઞાત વાસ દરમિયાન પણ જયેશે પોતાની ગુનાખોરી ચાલુ રાખી વાઈટ કોલર અને ગુનાખોરી આચરતી ગેંગ સાથે મળીને શહેરના અનેક માલેતુજાર વેપારીઓ અને બિલ્ડરો પાસેથી કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવી હતી.


વારેવારે ફાયરીંગ કરવા, ધમકી આપવી અને ખંડણી ઉઘરાવવાની વારદાતને લઈને સરકાર સફાળી જાગી હતી અને જયેશ પટેલ સામે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઈને વર્ષ 2020માં સરકારે સ્પેશિયલ આઇપીએસની ટીમ જામનગરમાં ઉતારી હતી અને જયેશ પટેલ અને તેની ગેંગ સામે ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. પોણા બે વર્ષ પૂર્વે નોંધાયેલ ફરિયાદ બાદ આ પ્રકરણમાં પૂર્વ પોલીસ કર્મચારી વશરામ આહીર, પૂર્વ નગર સેવક અતુલ ભંડેરી, તેમજ કુખ્યાત જાડેજા બંધુ, વકીલ વસંત માનસતા તેમજ રમેશ અને મુકેશ અભંગી બંધુઓ સહિતનાઓ 14 શખ્સો સામે ગુજસીટોક ધારા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે જે તે સમયે બિલ્ડર નિલેશ ટોલીયા, પૂર્વ નગર સેવક અતુલ ભંડેરી, પૂર્વ પોલીસ કર્મચારી વશરામ આહીર સહિતના 14 આરોપીઓને પકડી પાડી રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી આપ્યા હતા. જ્યારે ગત વર્ષે જયેશ પટેલ લંડન પોલીસના હાથમાં પકડાઈ ગયો હતો.


દરમિયાન જેલમાં રહેલા આરોપીઓએ સ્પેશિયલ કોર્ટથી માંડી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જામીન મેળવવા પ્રયાસો કર્યા હતા સ્પેશિયલ કોર્ટ અને હાઇકોર્ટ જામીન મંજૂર ન કરતા આરોપીઓ સુપ્રીમ કોર્ટ ગયા હતા. સુપ્રીમ કોર્ટે આજે આ પ્રકરણમાં સંડોવાયેલ વકીલ વસંત માનસતા, યશપાલ અને જશપાલસિંહ જાડેજા જીમી આડતીયા અને નિલેશ ટોલિયા એમ પાંચ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.
આ પ્રકરણમાં જયેશ પટેલ, સુનિલ ચાંગાણી, મહેશ છૈયા અને રમેશ અભંગી મળીને ચાર આરોપીઓ હજુ ફરાર છે. જોકે જયેશ પટેલ હાલ લંડન જેલમાં હોય તેને પરત ભારત લઈ આવવા માટેના પ્રયાસો ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here