જામનગરમાં દરબાર ગઢ પાસે રહેતા એક વોરા પરિવારના ઘરમાં વહેલી સવારે ચોરી થયાનો બનાવ સીટી એ ડીવીજન પોલીસ દફતર પહોચ્યો છે. જેમાં રોકડ ઉપરાત દાગીના સહીત રૂપિયા ૪૫ હજાર ઉપરાંતના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું છે. ઘરના મોભી એવા દંપતી નમાજ અદા કરવા ગયા હતા અને તેના બે પુત્રો સુતા હતા ત્યારે ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. સપ્તાહ પૂર્વે થયેલ ચોરી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

જામનગરમાં દરબારગઢ પાછળ મોદીવાડ વેજલાની ડેલીમામાં રહેતા અને પીપર ચોકલેટ વેચવાનો ધંધો કરતા સેફુદીનભાઇ મહમદઅલી ગીરનારી નામના નાના વેપારીના ઘરને તા. ૨૭ મી ફેબ્રુઆરીના વહેલી સવારે છ થી સાત વાગ્યાના ગાળા દરમિયાન કોઈ જાણભેદુ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં સેફૂદીનભાઈ અને તેના પત્ની વહેલી સવારે નમાજ પઢવા ગયા હતા જયારે તેના બે પુત્રો અને બહેન સુતા હતા.

આ સમયે ઘરમાં પ્રવેશી કોઈ ચોર વેપારીના પાકીટમા રાખેલ રોકડા રૂ.૧,૮૦૦ તથા તેના પુત્રના ખીસ્સામા રાખેલ રોકડા રૂ,૫૦૦૦ તથા ઘરના કબાટમા રાખેલ રૂપિયા વીસ હજારની ચાર નંગ સોનાની બંગડીઓ, રૂપિયા દસ હજારની કીમતની બે નંગ સોનાની વીટીઓ, રૂપિયા પાંચ હજારની કીમતનો એક સોનાનો ચેઈન અને સોનનુ એક લોકેટ તથા બે નંગ ચાંદીના સીકકા અને એક મોબાઈલ ફોન સહીત રૂપિયા ૪૫,૩૦૦નો સામાન ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોઈ જાણભેદુ સખ્સોએ જ આ ચોરી આચરી હોવાની પોલીસે શંકા દર્શાવી તપાસ હાથ ધરી છે.