જામનગર : જામનગરમાં આજે વહીવટી પ્રસાશન દ્વારા ગ્રેઇન માર્કેટ ખાતે કોરોનાનું એન્ટીજન ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો છે. અહીના વેપારીઓ, વિક્રેતાઓ, શ્રમિક સહિતનાઓનો સવારથી ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં બપોરે બે વાગ્યા સુધીમાં એકંદરે પોણા બસ્સો ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં છ લોકોમાં કોરોનાના પ્રાથમિક લક્ષણો આવ્યા હોવાનું સામે આવ્યું છે.
જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જઇ ધનવંતરી રથ દ્વારા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે, આજરોજ ગ્રેઇન માર્કેટ જામનગર ખાતે ધનવંતરી રથ દ્વારા ટેસ્ટ કરવાનું આયોજન કરાયું હતું. જેમાં કામગીરીની સમીક્ષા અને એક પણ વ્યક્તિ ટેસ્ટમાં બાકી ન રહી જાય તે હેતુથી જિલ્લા સમાહર્તા રવિશંકર અને મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલએ કાર્યરત ધન્વંતરી રથોની મુલાકાત લીધી હતી. આ રથ દ્વારા દર્દીઓને મળતી સેવાઓ જેવી કે, દર્દીઓને કયા પ્રકારની દવાઓ આપવામાં આવે છે, દર્દીઓના વિવિધ ટેસ્ટ જેવા કે બ્લડ શુગર, એન્ટીજન ટેસ્ટ, ઓક્સિજન લેવલની તપાસ વગેરે વિશે સ્થળ પર જઇ ચકાસણી કરી હતી.
અહીના વેપારીઓ, છૂટક ધંધાર્થીઓ અને મજુર વર્ગનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેમાં બપોર બે વાગ્યા સુધીમા પોણા બસ્સો નાગરિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સામે આવું છે. જેમાંથી માત્ર છ નાગરિકોને કોરોનાગ્રસ્ત જણાયા છે. આ તકે, ગ્રેઇન માર્કેટના અગ્રણી જીતુભાઇ લાલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.