જામનગર : નગરમાં ગુંડાગીરી, ભાજપના બે કોર્પોરેટરને મારી નાખવાની ધમકી

0
1658

જામનગર : શહેરના રણજીતનગર પટેલ સમાજ પાસે ગઇકાલે સાંજે ઘોડાગાડી ચલાવવા બાબતે ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન અને પૂર્વ શાસક પક્ષના નેતા સહિતના બે સિનિયર નગરસેવકોને સાત શખ્સોએ છરી બતાવી પતાવી દેવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. પટેલ સમાજ ખાતે કોવિડ હોસ્પિટલ ખોલવાના કામ સમયે પટેલ સમાજના અગ્રણીઓ એકત્ર થયા હતા ત્યારે ઘોડાગાડી સાથે પૂર ઝડપે નીકળેલ એક શખ્સને અગ્રણીઓએ રોકાવી લઇ ધીમી ચલાવવા કહ્યું હતું ત્યારબાદ આરોપીએ અન્ય આરોપીઓને બોલાવી લઇ બન્ને નગરસેવકો અને અન્ય પટેલ સમાજના અગ્રણીઓ સામે બિભત્સ વાણી વિલાસ આચરી, છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરમાં ચકચારી બનેલા બનાવની વિગત મુજબ રણજીતનગર પટેલ સમાજ દ્વારા કોવિડ હોસ્પિટલ બનાવવાનું હાલ કામ ચાલુ છે. આ કામગીરી દરમ્યાન ગેઇટ પાસે ગઇકાલે સાંજે પટેલ સમાજના અગ્રણીઓ એકત્ર થયા હતા દરમ્યાન અકરમ યુસુફ સફીયા નામનો શખ્સ પોતાની ઘોડાગાડી પૂર ઝડપે દોડાવતા નિકળ્યો હતો. જેને લઇને જામનગર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલના કોર્પોરેટર ગોપાલ સોરઠીયાએ તેને રોકી લીધો હતો. આમ ગીચ વિસ્તારમાં ઘોડાગાડી ન દોડાવાઇ એમ કોર્પોરેટરે કહેતા આરોપી અકરમ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો. ઘોડાગાડી આમ જ ચાલશે. આમા માણસ પણ મરે અને ઘોડો પણ મરે એમ આરોપી અકરમે કહી ધમકી ઉચ્ચારી હતી. જેને લઇને  શાસક પક્ષના પૂર્વ નેતા અને પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન અને વોર્ડ.નં.8ના કોર્પોરેટર દિવ્યેશ અકબરીએ કેમ આવુ બોલો છો એમ કહેતા આરોપીએ કહ્યું કે અમો મીયાભાઇ છીએ જેથી અમને આટલી હવા હોય જ એમ કહી થોડે દૂર થઇ ફોન કરીને ઇમરાન રજાક મકરાણી, મુસ્તાક હનિફ સફીયા, કાસમ ઓસમાણ બ્લોચ અને અન્ય ત્રણ શખ્સોને બોલાવી લીધા હતા. દરમ્યાન પરત આવીને આ સાતેય શખ્સોએ દિવ્યેશભાઇ સામે બિભત્સ વાણી વિલાસ આચરી આરોપી અકરમે નેફામાંથી છરી કાઢી, ઘોડાગાડી અહીંથી નિકળશે અને જો કોઇ રોકવાની કોશીશ કરશે તો તેને આ છરીથી જાનથી મારી નાખીશ એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કોર્પોરેટર ગોપાલ સોરઠીયાએ આરોપીઓ સામે સીટી એ ડિવિઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 504, 506(2), 143, 147, 148 તથા જીપી એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પીએસઆઇ એમ.વી.મોઢવાડીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. આ બનાવે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here