જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રજુ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટ સંદર્ભે આજે સ્ટેન્ડિંગ કમિટીએ સુધારા વધારો સાથે સંપૂર્ણ બજેટ બહાલ કર્યું છે. કમિશ્નર દ્વારા બાગ બગીચા અને ભૂગર્ભ ગટર ચાર્જમાં સૂચવવામાં આવેલ વધારાને ખડી સમિતિએ રદ કરી જુના દર યથાવત રાખ્યા છે. આ ઉપરાંત વર્ષોથી જેના વેરા બાકી છે તેવા આસામીઓને ૭૫ ટકા વળતર આપવાની સ્કીમ પણ મુકવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકાનું આગામી વર્ષની અંદાજ પત્રને આજે સ્ટેન્ડિંગ કમિટીએ આખરી ઓપ આપ્યો છે. કમિશ્નર દ્વારા બાગ બગાચાઓમાં પ્રવેશ દરમાં ૫૦ ટકા જે વધારો સૂચવ્યો હોતો તે સ્ટેન્ડિંગ કમિટીએ રદ કર્યો છે. સ્ટેન્ડિંગ કમિટીએ આજે એક પણ કર કે ચાલુ કરમાં વધારો કર્યા વગરનું હળવુંફૂલ બજેટ બહાલ કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ મનીષ કટારીયાએ જણાવ્યું હતું કે, ચાર નવા હેલ્થ સેન્ટર, વોટર વર્કસ, રીંગ રોડ, આવાસ, સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવર બ્રીજ, ભુજીયા કોઠા રીસ્ટોરેશન સહિતના ૨૩૪ કરોડ રૂપિયાના કામો પ્રગતીમાં છે. જયારે આવતા વર્ષે પાણી પુરવઠાના કામો માટે ૮૩ કરોડ, નવા આવાસ અને રોડ રસ્તાઓ માટે ૧૦૦ કરોડ રૂપિયા, ભૂગર્ભ ગટર માટે ૪૪ કરોડ, આરોગ્ય માટે આઠ કરોડ, લાઈટીંગ માટે ત્રણ કરોડ ઉપરાંત શિક્ષણ સમિતિ માટે ૧૫ કરોડની જોગવાઈને વણી લઇ કુલ ૨૩૯ કરોડની પુરાંત સાથે ૮૫૩ કરોડ રૂપિયાનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. વર્ષો જુના ટેક્સ બાકી છે તેવા આસામીઓ માટે ૭૫ ટકા વ્યાજ માફીનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કમિશ્નર દ્વારા સૂચવવામાં બાગ બગીચાઓના પ્રવેશ દરના ૫૦ ટકા વધારાને સ્ટેન્ડીગ કમિટીએ રદ કર્યો છે.