જામનગર જિલ્લાના કાલાવડ ખાતે એલઆઈબીમાં ફરજ બજાવત એક પોલીસ હેડ કોન્સ્ટેબલને જામનગર એસીબીની ટીમે રૂપિયા 600ની લાંચ લેતા આબાદ પકડી પાડ્યો છે. પાસપોર્ટ કઢાવવામાં જરૂર પડતા પોલીસ વેરિફિકેશન માટે પોલીસ કર્મચારીએ આ રકમ માંગી હોવાનું સામે આવ્યું છે.

જામનગર જિલ્લામાં એસીબીએ વધુ એક ટ્રેપ કરી છે. જેમાં કાલાવડમાં ફરીયાદીએ પાસપોર્ટ કઢાવવા માટે અરજી કરેલી હતી. અને પાસપોર્ટના પોલીસ વેરિફિકેશન માટે કાલાવડ પોલીસ સ્ટેશનની એલઆઈબી શાખામાં ફરજ બજાવતા આરોપી ભુપેન્દ્રકુમાર પુનમચંદ પટેલે ફરિયાદી પાસે લાંચ પેટે રૂ.૬૦૦ ની ગેરકાયદેસર રીતે માંગણી કરી હતી. ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી તેઓએ એસીબી ટોલ ફ્રી નંબર પર રજુઆત કરી હતી.

આ ફરિયાદના આધારે જામનગર એસીબીની ટીમે આજે છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપી પોલીસ કર્મચારી કાલાવડ એલ.આઈ.બી. કચેરીના રૂમમાં જ ફરિયાદી પાસેથી લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. જામનગર એસીબીની ટીમ દ્વારા આરોપીનો કબજો સાંભળી કોવીડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી જામનગર એસીબીના પીઆઇ એ. ડી. પરમાર સહિતના સ્ટાફે પાર પાડી હતી.