
જામનગર અપડેટ્સ: જામનગર મહાનગરપાલિકાના નવા સામાન્ય સભા ગૃહમાં આજે મળેલા જનરલ બોર્ડમાં વિરોધ પક્ષ અને સત્તાધારી જૂથ વચ્ચે તો ઉગ્ર બોલાચારી થઈ હતી પરંતુ વિરોધ પક્ષ અને વહીવટી અધિકારીઓ વચ્ચે પણ ગજગ્રાહ થયો હતો. વિરોધ પક્ષના નગરસેવકે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આંગણવાડીઓ અને રંગમતી નદીની પહોળાઈના સવાલના જવાબમાં મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેટર વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. કોર્પોરેટરના વ્યવહારમાં કમિશનરનું અપમાન થયું હોવાની લાગણી સાથે તમામ અધિકારીઓએ બોર્ડમાંથી વોક આઉટ કર્યું હતું.

જામનગર મહાનગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી નિયમિતપણે જનરલ બોર્ડ ની બેઠક મળતી આવી છે. દાયકાઓથી ચાલતા બોર્ડમાં ક્યારેય ન થઈ હોય એવી ઘટના આજે જનરલ બોર્ડમાં થઈ હતી. શહેરના વિકાસનો રોડ મેપ જનરલ બોર્ડથી થઇને જતો હોવાથી શહેરીજનો માટે બોર્ડની અગત્યતા વધી જાય છે. શહેરના જુદા જુદા પ્રશ્નો હોય કે વિકાસ કાર્યોમાં ગોબાચારી હોય આ તમામ પ્રશ્નોને લઈને સતાધારી જૂથ અને વિપક્ષ વચ્ચે દરેક જનરલ બોર્ડમાં ઉગ્ર ચર્ચાઓ થતી હોય છે. પરંતુ આજે પ્રશ્નોતરી કાળ દરમિયાન વિરોધ પક્ષના નગરસેવક આનંદ રાઠોડ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગરમાગરમી થઈ હતી. મહાનગરપાલિકાના ઈતિહાસમાં અનેક વખત વિરોધ પક્ષના ઉગ્ર વર્તનને લઈને બોર્ડ બરખાસ્ત કરવામાં આવે છે. સતાધારી કે વિપક્ષ આમને સામને આક્ષેપ કરી બોર્ડ વિખેરી નાખતા આવ્યા છે. પરંતુ આજે પ્રથમ વખત અધિકારીઓએ બોર્ડમાંથી વોક આઉટ કરી જતા બોર્ડ ફરજીયાત વિખેરાઈ ગયું હતું.

વાત જાણે એમ હતી કે કોર્પોરેટર આનંદ રાઠોડ એ શહેરમાં ચાલતી આંગણવાડીઓ ને લઈને પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્નો કર્યા હતા. જેમાં આંગણવાડી કર્મચારીઓને છુટા કરવા બાબતે મનસ્વી વર્તન દાખલ કરવામાં આવતું હોવાની આનંદ રાઠોડની ફરિયાદ હતી જેની સામે જે તે વિભાગના મહિલા અધિકારીએ કોર્પોરેટરને જવાબ આપ્યા હતા. જે જવાબમાં કોર્પોરેટરે મહિલા અધિકારીનું અપમાન થતું હોય તે રીતે બોલ્યા હોવા નો અક્ષર કમિશનરે કર્યો હતો તો ડીએમસીએ જવાબ આપતા કહ્યું હતું કે કર્મચારી ના વર્તનને વ્યવહાર અંગે અમુક નિયમો હોય છે તે નિયમોનું પાલન કરવું ફરજિયાત હોય છે તેથી કરવામાં આવેલી કાર્યવાહી યોગ્ય જ છે એમ પ્રત્યુતર પાઠવ્યો હતો.

આંગણવાડીના પ્રશ્ન બાદ રાઠોડના રંગમતી નદીની પહોળાઈ બાબતના સવાલના જવાબમાં કમિશનરે નદી કુદરતી હોવાની વાત કરી ક્યાંક પહોળાઈમાં અંતર હોઈ શકે એક જ સરખી પહોળાઈ ન હોય શકે એવો જવાબ આપ્યો હતો. જોકે કમિશનર ડીએન મોદીના જવાબથી કોર્પોરેટરોને સંતોષ ન થતાં તેઓએ કહ્યું હતું કે કમિશનર સાહેબ હું કોઈ જોકર નથી કે તમે ગમે તેવા જવાબ આપો. બાદમાં કોર્પોરેટર રાઠોડે વાહિયાત સવાલ કરી કહ્યું હતું કે ‘કમિશનર સાહેબ તમે પ્રમોશન લઈને આઈ એ એસ બન્યા છો કે સીધી ભરતીથી ?’ કોર્પોરેટર આનંદ રાઠોડના વાહિયાત સવાલને લઈને તમામ અધિકારીઓ એક સાથે પોતાની ખુરશી પરથી ઉભા થઈ ગયા હતા અને જનરલ બોર્ડનો બહિષ્કાર કર્યો હતો. આ સાથે જ બોર્ડ વિખેરાઈ ગયું હતું.