રક્ષક-ભક્ષક : પોલીસકર્મી સંચાલિત જુગારધામ પકડાયું, પિસ્તોલ-રિવોલ્વર-દારુ મળી આવ્યો

0
480

જામનગર :  મોરબી જીલ્લાના માળિયા વિસ્તારમાં આવેલ ફોરેસ્ટના ક્વાટરમાં પોલીસકર્મી દ્વારા સંચાલિત જુગારધામ પર પોલીસે દરોડો પાડી સાત સખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. જેમાં જુગારધામ સંચાલિત પોલીસકર્મી પાસેથી રીવોલ્વર અને પિસ્તોલ સહિત બે હથિયારો મળી આવ્યા છે.

મોરબી પંથકમાં માળિયા મિયાણા વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગની ઓફીસ-કવાટરમાં એક પોલીસકર્મી બહારથી જુગાર રસિકો બોલાવી જુગાર રમાડી રહ્યો હોવાની રાજકોટ રેંજ પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. જેના આધારે આરઆર સેલ પોલીસે દરોડો પાડ્યો હતો. મોટા દહીસરાથી નવલખી જવાના રસ્તે ખીરસરા ગામના પાટિયા પાસે આવેલ ફોરેસ્ટની ઓફીસ-ક્વાટરમાં પોલીસે દરોડો પાડી પોલીસ કમર્ચારી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા રે. પંચાસર તા.જી. મોરબી વાળો સખ્સ તેમજ જયંતીભાઈ ગાંડુંભાઈ ઠોરીયા, ઘનશ્યામ કરશનભાઈ આદ્રોજા, નવલસિંહ  પ્રભાતસિંહ જાડેજા, નરેશ સવજી વિડજા,સંજય રણમલ લોખીલ, કામાં સુરેશભાઈ પાસવાન નામના સખ્સો જુગાર રમતા પકડાઈ ગયા હતા. પોલીસે તમામ પાસેથી રૂપિયા ૬,૭૬,૩૪૦ની રકમ અને સાત મોબાઈલ કબજે કર્યા હતા.

આ ઉપરાંત પોલીસકર્મીના ભોગવટાનાં કવાટરની તલાસી લેતા રૂપિયા ૨૫-૨૫ હજારની કિંમતની બે પિસ્તોલ અને રિવોલ્વર મળી આવી હતી. આ ઉપરાંત ત્રણ બોટલ દારુ અને ૩૪ નંગ બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે જુગાર ઉપરાંત દારુ અને હથીયાર સબંધિત ધારાઓ મુજબ ફરિયાદ નોંધી તમામની ધરપકડ કરી હતી. આ પ્રકરણની ગંભીરતાને ધ્યાને લઇ આ પ્રકરણની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here