ઉડતા હાલાર : 120 કરોડનું ત્રીજું કન્સાઇન્મેન્ટ નાવદ્રાથી પકડાયું

0
1666

જામનગર : સલાયા-ખંભાલીયા બાદ મોરબીમાંથી પકડાયેલ ૯૦૦ કરોડના ડ્રગ્સ બાદ મોરબી પ્રકરણમાં રિમાન્ડ પર રહેલ આરોપીની કબુલાતના આધારે એટીએસની ટીમે આજે દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે દરોડો પાડી એક સ્થાનિક સખ્સને ૧૨૦ કરોડની કીમતના ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં સૌરાષ્ટ્રમાંથી એક હજાર કરોડ ઉપરાંતની કિંમતનનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. છેલ્લા બે દિવસમાં પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાંથી વધુ ચાર સખ્સોને દબોચી લેવામાં આવ્યા છે. પંજાબની સક્રિય ગેંગની સંડોવણી બહાર આવી છે.

પાકિસ્તાનના હેરોઈન કાર્ટેલ્સ ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં હેરોઈનની દાણચોરી કરવાના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે પ્રયાસને એ.ટી.એસ. ગુજરાત દ્વારા સમયાંતરે ડ્રગ્સ સીઝરના કેસો કરી નિષ્ફળ બનાવી ગુજરાત રાજ્યને નાર્કોટીક્સ ડ્રગ્સના ટ્રાન્ઝીટ પોઈન્ટ બનતા અટકાવવામાં સતત કાર્યરત છે. તાજેતરમાં તા. ૧૪/૧૧/૨૦૧૧ ના રોજ એ.ટી,એસ. ગુજરાતની ટીમે ગુપ્ત બાતમી આધારે મોરબી જીલ્લાના ઝીંઝુડા એક મકાનમાં રેડ કરેલ, જેમાં અંદાજિત ૧૨૦ કિલો હેરોઈનનો જપ્ત કરવામાં આવ્યો છે.  આ કન્સાઈનમેન્ટની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ. ૬00 કરોડની છે. આ કાર્યવાહી દરમિયાન મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નુરમોહમ્મદ રાવ રહે. બસ સ્ટેન્ડ રોડ, મેઇન બજાર, જોડીયા, જી. જામનગર, સમસુદીન હુસૈનમીયાં સૈયદ, રહે. ઝીંઝુડા, તા. મોરબી, જી. મોરબી અને ગુલામ હુસૈન ઉમર ભગાડ રહે સલાયા દેવભૂમી દ્વારકા વાળા સખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણેય સખ્સોને એટીએસની ટીમે મોરબી કોર્ટમાં રજુ કરી ૧૨ દિવસના રિમાન્ડ પર લઇ પૂછપરછ શરુ કરી હતી.

જે આરોપીઓની પૂછપરછ દરમ્યાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્ઝ સ્મગલર્સની સંડોવણી ખૂલવા પામી હતી. આ હેરોઈન કન્સાઈનમેન્ટમાંથી ૧૨ કિલો જેટલા હેરોઈનના જથ્થાની ડિલીવરી ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયાએ રાજસ્થાન ખાતે કુખ્યાત ડ્રગ માફીયા ભોલા શૂટરના માણસો નામે અંકિત જાખડ અને અરવિંદ યાદવનાઓને કરી હોવાનું સામે આવ્યું છે. જયારે બાકીના ડ્રગ્સના જથ્થાની ડીલીવરી માટે આ ઈકબાલ ડાડો રાજસ્થાન ખાતે ભોલા શૂટરના સાગરીતો અંકિત જાખડ તથા અરવિદ યાદવને મળવા જવાનો હોવાની માહિતી સામે આવી હતી. જેના આધારે એ.ટી.એસ. ગુજરાતની ટીમ રાજસ્થાન ખાતે વોચમાં હતી, જે દરમ્યાન ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયો અલી મીયા કાદરી, રહે. બંદર રોડ, જામ સલાયા, સોડસલા, દેવભૂમિ દ્વારકા અને અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફે બિંદુ, રહે. મન્નીવાલી, તાલુકા: સાદુલશહર, જીલ્લો: ગંગાનગર, રાજસ્થાનનાઓને શિરોહી, રાજસ્થાન નજીકથી પકડી પાડવામાં આવ્યા છે. આ પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, ભોલા શૂટર કે જે હાલમાં ફરીદકોટ જેલમાં હોઈ તે અંકિત જાખડ, અરવિંદ યાદવ તથા અન્ય માણસો મારફતે ડ્રગ્સ રેકેટ ચલાવે છે તથા આ તમામ ડૂઝની ડીલીવરી ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિદ યાદવનાઓને કરવાની હતી.

અત્રે એ નોંધનીય છે કે, ભારત ભૂષણ શર્મા, ઉર્ફે ભોલા શૂટર, રહે: ફરીદકોટ, પંજાબના ઉપર રાજસ્થાન, પંજાબ તથા હરિયાણા સહિતના રાજ્યોમાં લૂંટ, હત્યા, ખંડણી વગેરે જેવા સંખ્યાબંધ ગુન્હાઓ નોંધાયેલ છે. અંકિત જાખડ તથા ભૌલા શૂટર લોરેન્ઝ બિશ્નોઈ ગેંગના સક્રિય સભ્યો છે અને ભોલા શૂટર લોરેન્ઝ બિશ્નોઈનો ખાસ માણસ છે.

આ રેકેટમાં વોન્ટેડ આરોપી ઈશા રાવના પુત્ર હુસેન રાવ, રહેઃ જોડીયા, જીલ્લો જામનગર વાળાની પણ સંડોવણી સામે આવી છે જેને લઈને એટીએસની ટીમે જોડિયા ખાતેથી હુસેનને પકડી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ ઉપરાંત, પકડાયેલ આરોપી મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બર જોડીયાની પૂછપરછ દરમ્યાન તેણે હેરોઈનનો જથ્થો દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે છૂપાવેલ હેવાની કબૂલાત કરતા તાત્કાલિક એ.ટી.એસ. ગુજરાતની એક ટીમે સદરહુ આરોપી મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બર જોડીયાને સાથે રાખી તેણે બતાવેલ જગ્યાએ રેડ કરતા અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયા, રહે. નાવદ્રા, તાલુકો: જામકલ્યાણપુર, જીલ્લો: દેવભૂમી દ્વારકાનાના રહેણાંક મકાનમાંથી અંદાજિત ૨૪ કિલો ગેરકાયદેસર હેરોઈનનો જ, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ. ૧૨૦ કરોડ ગણાય જે મળી આવતા આ જથ્થો કબ્બે કરવાની કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here