ફાયરીંગ અપડેટ્સ : ગીરીશ ડેરનું કામ તમામ કરી હુસેનને મળવાની હતી એક કરોડની સોપારી, આવી છે સ્ફોટક વિગતો

0
1464

જામનગર : જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં જામનગરના બિલ્ડર ગીરીશ ડેરની ફાયરીંગ કરી કરવામાં આવેલ હત્યા નીપજાવવાના પ્રયાસ સબંધે આજે નવો ખુલાસો થયો છે. રેંજ પોલીસે પકડી જામનગર એલસીબીને સોપેલ આરોપીએ જ જયેશ પટેલ પાસેથી ગીરીશ ડેરનું કામ તમામ કરવાની સોપારી લીધી હતી. કામ પૂરું થયા બાદ ત્રણ શુટર પૈકી મુખ્ય સુત્રધારને અડધા કરોડની રકમ આપવાની હતી. જયારે વારદાત પૂર્વે હુસેને જ ત્રણેય ભાડુતી મારાઓને પિસ્તોલ અને કારતુસ આપ્યા હોવાનું પણ બે દિવસના રિમાન્ડમાં રહેલ સખ્સે કબુલાત કરી છે.

જામનગરમાં ગત જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં તા.૩જીના રોજ શહેરના બિલ્ડર ગીરીશભાઈ ડેર પર લાલપુર બાયપાસ પાસે આવેલ પોતાની સાઈટ પર આવી ચડેલ ત્રણ સખ્સોએ ફાયરીંગ કરી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બિલ્ડરે ડર્યા વગર હિમ્મતથી પોતાની લાયસન્સ વાળી પિસ્તોલમાંથી વળતું ફાયરીંગ કરતા ત્રણેય આરોપીઓ ડરી ગયા હતા અને ઉભી પુછડીયે પરત બાઈક લઇ નાશી ગયા હતા.

આ બનાવ બાદ અમદાવાદ એટીએસની ટીમે ત્રણેય આરોપીઓને દબોચી લઇ જામનગર પોલીસને સુપ્રત કર્યા હતા. જેમાં સુત્રાપાડાના હિતુભા ઝાલા, સંજય સહીતના ત્રણ સખ્સોનો એલસીબીએ કબજો સંભાળી રિમાન્ડ મેળવી પુછ્પરછ હાથ ધરી હતી. દરમિયાન આ ત્રણેય સખ્સો  સાથે જામનગરના જ જશપાલસિંહ જાડેજાએ વાતચિત કરી રોલ ભજવ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલની મુખ્ય ભૂમિકા સામે આવી હતી. જયેશે જ જામનગરના કુખ્યાત રજાક સોપારી સાથે ચર્ચાઓ કરી અડધો ડઝન ગુનામાં સંડોવાયેલ તેના ભાઈ હુસેન દાઉદને ગીરીશ ડેરનું કામ તમામ કરવા દોઢ કરોડની રકમ નક્કી કરી સોપારી આપી હોવાનું સામે આવ્યું હતું.

દરમિયાન તાજેતરમાં જ રાજકોટ આરઆર સેલ પોલીસે હુસેનને પકડી પાડી જામનગર પોલીસના હવાલે કર્યો હતો. એલસીબીએ આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરુ કરી છે. આજે પ્રથમ દિવસના રિમાન્ડમાં સામેં આવેલ વિગતો મુજબ, આરોપી હુસેને જયેશ પટેલ અને તેના ભાઈ રજાક સાથે મળી પોતાની સાથે જેલવાસ દરમિયાન મળી ગયેલ સુત્રાપાડાના હિતુભા ઝાલા નામના સખ્સને અડધા કરોડ રૂપિયામાં પેટા સોપારી આપી હતી.

કુખ્યાત ભૂ માફિયા જયેશ પાસેથી રૂપિયા દોઢ કરોડમાથી હુસેનને એક કરોડ મળવાના હતા. વારદાત પૂર્વે હુશેને આરોપી હિતુભા સાથે બેડી બંદર રોડ પર અવાવરું જગ્યાએ મીટીંગ કરી હતી ત્યાં આજે એલસીબી હુસેનને જે તે જગ્યાએ લઇ ગઈ હતી. આ જગ્યાએ હુસેને આરોપી હિતુભાને રૂપિયા એક લાખ અને એક પિસ્તોલ તથા  પાંચ જીવંત કાર્તુશ આપ્યા હતા. આ હથિયાર વર્ષ પૂર્વે હુસેને આરોપી હિતુભા પાસેથી જ ખરીદયુ હોવાની વિગતો પોલીસમાં જાહેર થઇ છે. આવતી કાલે આરોપી હુસેનના રિમાન્ડ પૂર્ણ થતા એલસીબી ફરી કોર્ટ સમક્ષ રજુ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here