Exclusive: જામનગરનો બાળ કલાકાર ‘ભાવિન રબારી’ છેક ઓસ્કારમાં ચમક્યો

0
843

જામનગરના જ એક ગામનો નવ વર્ષનો ટેણીયો છેક ઓસ્કાર એવોર્ડ સુધી ચમક્યો છે, જી હા,વાત કરીએ છીએ ‘છેલ્લા સો’ ફિલ્મની, આ ફિલ્મ વર્ષ 2023ના ઓસ્કાર એવોર્ડ માટે ભારતની ફિલ્મ તરીકે નોમિનેશન થઇ છે. કોઈ નથી જાણતું કે એ ફિલ્મનો મુખ્ય હીરો ‘સમય’ જામનગરના નાનકડા ગામનો છે, માત્ર નવ વર્ષની ઉંમરે કલાના કામણ પાથરીને જામનગરનો આ છોકરો આજે વિશ્વસ્તરે છવાઈ ગયો છે. કોણ છે આ બાળ કલાકાર,  ચાલો જાણીએ આ પિક્ચર વિશે અને જામનગરના એ બાળ કલાકાર વિશે.

મૂળ અમરેલીના પાન નલીન નામના ડિરેક્ટર દ્વારા ફિલ્મ આપવામાં આવેલ ‘છેલ્લો સો’ નામની ફિલ્મ વિધિવત રીતે ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થઈ ચૂકી છે. વર્ષ 2021 માં બનેલી આ ફિલ્મ દોઢ કલાકની છે અને માત્ર ગુજરાતી ભાષામાં જ બની છે એક પણ ભાષામાં ડબ થઈ નથી. ડિરેક્ટર નલિન પાલના જીવન સાથે વણાયેલી કહાની દર્શાવવાનો બખૂબી પ્રયાસ કરવામાં આવ્યો છે.

નવ વર્ષના ટેણીયા ‘સમય’ ભાવિન રબારીની 35 એમએમ સિંગલ સ્ક્રીન સિનેમા પ્રત્યેની હમદર્દી અને સિનેમા પ્રોજેક્ટર લીડનો રોલ કરતા ફઝલ નામના મિત્ર અને અન્ય બાળ મિત્રો વચ્ચેની કહાની છે. મનોરંજક અને લાગણી સાથેની પટકથા આ ફિલ્મના મુખ્ય અંગ છે.

અમરેલી સહિતના જુદા જુદા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ ફિલ્મનું ફિલ્માંકન થયું છે. 

35 mm ના સિંગલ સ્ક્રીન પર મિત્ર ‘ફઝલ’ પોતાના બાળ મિત્ર સમયને સમયાંતરે ફિલ્મ નિહાળવાનો અવસર આપે છે. દરમિયાન સમયને આ સિનેમા પ્રત્યે એટલો લગાવ થઈ જાય છે કે સિનેમા તેના જીવન સાથે વણાઈ જાય છે પરંતુ સમય જતાની સાથે મલ્ટિપ્લેક્સ સિનેમાનો જન્મ થાય છે અને સિંગલ સ્ક્રીન સિનેમા બંધ થવાની કગાર પર આવી જાય છે. સમય અને ફઝલ સિંગલ સ્ક્રીન સિનેમાને મલ્ટિપ્લેક્સ બનાવવાના ભરપૂર પ્રયાસ કરે છે. સિંગલ સ્ક્રીન સિનેમાના પતન વચ્ચે સમય પોતાની જિંદગી કેવી રીતે વેરવિખેર થતા જુએ છે ? તે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મલ્ટિપ્લેક્સ સિનેમાના આગમનના પગલે સિંગલ સ્ક્રીન સિનેમાનુ પતન- એ આ ફિલ્મનો મુખ્ય થીમ છે અને આ બંને સિનેમા વચ્ચે ‘સમય’ના જીવન પર ખાસી અસર પાડતું દર્શાવવામાં આવ્યું છે.

મુખ્ય પાત્ર સમયના રોલમાં જામનગર નજીકના વસઈ ગામનો બાળ કલાકાર છે. જેનું નામ છે ભાવિન આલાભાઈ રબારી, રાવલસર વાડી શાળામાં ધોરણ આઠમા અભ્યાસ કરતો આ બાળ કલાકાર ગઈકાલ સુધી ક્યાંય પિક્ચરમાં ન હતો પરંતુ હવે તે વિશ્વ સ્તરે ચમકી ચુક્યો છે. જામનગર અને ગુજરાત માટે ગર્વ કહી શકાય તેવી આ ઘડી છે. આ ફિલ્મોમાં સાગર રબારીની સાથે જામનગરના અન્ય બાળકોએ પણ કામ કર્યું છે. આશા રાખીએ આ ફિલ્મ ઓસ્કારના અંતિમ રાઉન્ડને પાર કરી એવોર્ડ વિનર બને.

કેવી રીતે થયું ફિલ્મ હીરો તરીકે સિલેકશન ? કેવો છે ભાવિનના પરિવારમાં માહોલ ? આ બાળ કલાકાર સાથેનો વસઈ ગામથી માંડી ઓસ્કાર સુધીના સફરનો સંપૂર્ણ ઇન્ટરવ્યૂ હવે પછીના લેખમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here