જામનગર અપડેટ્સ : કોરોનાકાળમાં બંધ છતાં પણ શાળાઓએ ફીના ઉઘરાણા શરૂ કરી દેતા અને કોર્ટ દ્વારા કરાયેલ ટકોર બાદ આજે રાજ્ય સરકારની કેબીનેટ દવારા માત્ર 25 ટકા ફી માફીનો નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયની સામે વિરોધનો વંટોળ ઉભો થશે એ વાત ચોક્કસ છે.
રાજ્યભરમાં ત્રણેક મહિનાથી સ્કૂલોની ફી માફી અંગેનો વિવાદ ચાલી રહ્યો હતો. જેને લઈને સપ્તાહ પૂર્વે ખાનગી શાળા સંચાલકો અને મુખ્યમંત્રી વચ્ચે મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં શાળા સંચાલકો 25 ટકા ફી માફી આપવા સહમત થયા હતા. ગુજરાત શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી મોટાભાગની સ્કૂલોના સંચાલક સરકારના નિર્ણય સાથે સંમત થયા હતા. જો કે, આ ફી માફી સ્કૂલો બંધ રહે ત્યાં સુધી આપવી કે સ્કૂલો ચાલુ થયા પછી પણ ચાલુ રાખવી તે મામલે કોઈ નિર્ણય લેવાયો નથી.તો બીજી તરફ વાલી મંડળ દ્વારા ફી માફી મુદ્દે નારાજગી દર્શાવી 50 ટકા ફી માફ કરવામાં આવે એવી માંગણી કરી છે. આગામી સમયમાં આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે સરકારના નિર્ણયને આ બાબત સાથે જોડી દેવામાં આવ્યો છે.