દ્વારકા : કલ્યાણપુર પંથકમાં હવે આ રીતે થાય છે બોકસાઈટ ચોરી, જાણીતા લીજ ધારકો સુધી તપાસ પહોચશે ?

0
745

જામનગર : કલ્યાણપુર પંથકના દરિયાઈ વિસ્તારોમાં આસોટાથી માંડી છેક મહાદેવીયા સુધીની પટ્ટીમાં વિપુલ પ્રમાણમાં રહેલ બોક્સાઈટ ખનીજને લઈને અનેક ખનીજ માફિયાઓએ સક્રિય બની માલેતુજાર બની ગયા છે. તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા આ કારોબાર પર તંત્રએ રોક લગાવી દેતા હાલ મંદ ગતિએ અને નવતર કીમિયાથી ખનીજ ચોરી થઇ રહી છે.  બોક્સાઈટ ચોરી ક્યારેય બંધ થતી ન હોવાની વારેવારે ઉઠતી ફરિયાદો વચ્ચે પોલીસ તથા ખાણખનીજ તંત્ર સામે સવાલો થતા રહ્યા છે. ત્યારે મંદ ગતિએ ચાલતા કાયદેસરના કારોબારમાં પણ ખનીજ ચોરી થતી હોવાની ખનીજ તંત્રએ પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી છે.  જેમાં બે જાણીતા લીજ ધારકોની લીજની જગ્યાનો ઉપયોગ થયો છે.

કલ્યાણપુર પંથકમાં આવેલ બોક્સાઈટ ખનીજની ખાણની પ્રતીકાત્મક તસ્વીર….

કલ્યાણપુર પંથકમાં ક્યારેય બોકસાઇટ ચોરી અટકી જ નથી એમ કહીએ તો અતિશયોક્તિ નથી. માલેતુજાર બની ગયેલ ખનીજ માફિયાઓ તંત્રને ખિસ્સામાં રાખી ખનખનિયાઓના જોરે આજે પણ બોકસાઈટ ચોરી કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓ સહિતના જવાબદાર તંત્રની ખાતિરદારીમાં કોઈ કચાસ ન છોડતા ખનીજ માફિયાઓ વધુને વધુ માલામાલ બની રહ્યા છે. આ જ કાળો કારોબાર આજે પણ ચાલી જ રહ્યો છે. સીસ્ટમમાં રહેલા ભ્રસ્તાચારના ભોરીંગનાં કારણે જ ખનીજ માફિયાઓ બેરોકટોક ખનીજ ઉત્ખન્ન કરી રહ્યા છે. હાલ ચાલી રહેલ બોકસાઇટ ખનીજ ચોરી અંગે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર ભવદીપ ડોડીયાએ કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં વીરપર ગામે રાતાકુંડા સીમ વિસ્તારમાં ત્રણ દિવસ પૂર્વે ભૂસ્તર વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં એક વોલ્વો એક્સકેવેટર દ્વારા સ્કેબલ કંપનીની લીજ વાળી જમીનમાંથી બોકસાઈટનું ઉત્ખન્ન કરી, કારા કાંબરિયાની માલિકીના ત્રણ ડમ્ફરમાં ખોદકામ કરાયેલ બોકસાઇટનો જથ્થો ભરી અન્ય જગ્યાએ આવેલ મંજુલા બેન થાનકીની લીજમાં ઠાલવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. દેખીતી રીતે કાયદેસરનો લાગતો આ કારોબાર ગેરકાયદે ચાલતો હોવાનું સામે આવ્યું હતું.
આ ગેરકાયદેસરના ઉત્ખન્ન અને પરિવહનથી આરોપીઓએ રૂપિયા સાડા નવ લાખની કીમતનો સાડા સાતસો મેટ્રિક ટન જથ્થો સંગ્રહ કર્યો હોવાનું સામે આવ્યું હતું. મંજુલાબેન આર. થાનકીની લીઝમાં બિનઅધિકૃત રીતે સંગ્રહ કરાયેલ બોકસાઈટના જથ્થાની આકારણી કરી ખાનખનીજ અધિકારીએ કારા કામ્બરીયા સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવી હતી. કલ્યાણપુર પોલીસે કામ્બરીયા ઉપરાંત તેના વાહનના ચાલકો સામે અને જે વિસ્તારમાંથી બિનઅધિકૃત રીતે બોકસાઇટ ખનિજનું ખોદકામ કરવામાં આવેલ છે તેમની તથા જે વિસ્તારમાં બિનઅધિકૃત રીતે બોકસાઇટ ખનિજના સંગ્રહકરવામાં આવેલ છે તેમની વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૯ તથા એમ.એમ.ડી.&આર. એક્ટ-૧૯૫૭ (સુધારો–૨૦૧૫)ની કલમ ૪(૧), ૪(૧)એ ના ભંગ બદલ કલમ ૨૧(૧) અને ૨૨ હેઠળ તેમજ ગુજરાત મિનરલ્સ (પ્રવેન્‍શન ઓફ ઈલીગલ માઈનીંગ, ટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્ટોરેજ) રૂલ્સ–૨૦૧૭ના નિયમ-૩ અને ૭ ના ભંગ બદલ સદર નિયમોના નિયમ–૨૧(૨) મુજબ ફરિયાદ નોંધી છે. આ સમગ્ર મામલે પીએસઆઈ જોશી તપાસ ચલાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here