દ્વારકા: સાત સાત માનવ જીવ ચાલ્યા જાય, તંત્રના પેટનું પાણી પણ ન હલે ?? આવી રીતે સર્જાયો હતો અકસ્માત

0
793

જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા નજીક બરડિયા ગામના પાટિયા પાસે ગઈ કાલે ચાર વાહનો વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં સાત માનવના જીવન દીપ બુજાઈ ગયા છે અને હજુ ઘણા હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે જંગ લડી રહ્યા છે. ધોરી માર્ગ પરના આખલાને બચાવવા જતા ખાનગી બસ ડીવાઈડર ઓળંગી ગઈ અને સામેથી કતારમાં આવતી બે કાર અને બાઈક સાથે અથડાઈ ગઈ, જેમાં કારમાં સવાર ગાંધીનગરના કલોલના પરિવારના પાંચ સહીત સાત વ્યક્તિઓના અકાળે અવસાન થયા જ્યારે ટ્રાવેલ્સમાં સવાર ૧૫થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા પહોચી છે. રસ્તાઓ પરના રખડતા ઢોરને નાથવા તંત્ર પાસે કોઈ ઉપાય જ નથી એમ લાગી રહ્યું છે ત્યારે તંત્ર આ દિશામાં કડક હાથે અને ચિંતિત બની ક્યારે વિચારશે ?

દ્વારકા નજીકનો સોમનાથ હાઈ વે ગઈ કાલે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો, ગત સાંજ અને રાત વચ્ચેના સમયે દ્વારકાથી રવાના થયેલ પટેલ ટ્રાવેલ્સની બસ જયારે બરડિયા ગામના પાટિયા પાસે આવેલ હોટેલ સામેથી પસાર થતી હતી ત્યારે એક ગૌવંસ બસની સામે આવી ગયું હતું. આ ગૌવંસને બચાવવા જતા બસ ડિવાઈડર ઓળંગી સામેના રોડ પર જઈ ચડી હતી જેમાં સામેથી આવતી બે કાર બસ સાથે અથડાઈ હતી.વચ્ચે મોટર સાયકલ પણ ત્રણ વાહનો વચ્ચે અક્સમાતમાં અડેફેટે ચડ્યું હતું. પલકવારમાં સર્જાયેલ આ અકસ્માતમાં શાંત ધોરી માર્ગ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ગાંધીનગર જીલ્લાના કલોલના પરિવારના સભ્યો હેતલબેન અર્જુનભાઈ ઠાકુર ઉ-28, કલોલ ગાંધીનગર, તાન્યા અર્જુન ઠાકુર 3 વર્ષ કલોલ, પ્રીયાંશી મહેશ ભાઈ ઠાકુર ઉ 18- કલોલ, હિમાંશુ કિશનજી ઠાકુર 2 વર્ષ , વિરેન કિશનજી ઠાકુર તથા એક અજાણી મહિલા તેમજ બરડિયા ગામના ચિરાગભાઈ ભાઈને ગંભીર ઈજાઓ પહોચતા સાતેયના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા.

જયારે ૧૫થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોચતા દ્વારકા અને ખંભાલીયા હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવના પગલે કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ સહિતનાઓ પણ સ્થળ પર પહોચ્યા હતા. માર્ગ પર રહેલ ગૌવંસના કારણે સર્જાયેલ આ અકસ્માતે સાત સાત વ્યક્તિઓનો ભોગ લઇ લીધો હોવાની વિગતો જાહેર થઇ છે. ખરેખર હાઈવે ઓથોરીટી અને સ્થાનિક તંત્ર પાસે રખડતા ઢોરના નિરાકરણ માટે કોઈ સુચારુ આયોજન જ નથી સરકાર રખડતા ઢોર બાબતે ક્યારેય ચિંતિત નથી બને એમ આ બનાવ દર્શાવી રહ્યો છે.

ખરેખર માનવ જીવનું મહત્વ સરકાર જાણે અને યોગ્ય દિશામાં યોગ્ય કાર્યવાહી થાય તો જ રસ્તા પરના ઢોર યમ બનતા રોકી શકાય અન્યથા આવી ઘટનાઓ બનતી જ રહેશે ને હતભાગીઓના પરિવારજનો શોકમાં ડૂબતા જ રહશે. ન્યાય તંત્ર સો વાર પણ સરકારને આ બાબાતે ખખડાવે અને નિરાકરણ ન આવે તો ન્યાય તંત્ર સામે પણ સવાલો ઉભા થાય જ,  રખડતા ઢોર શહેર અંદર હોય કે બહાર કોઈ તંત્રની જવાબદારી ફિક્સ કરવામાં આવે એવી માંગ પણ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here