ધ્રોલ : કાર-બાઇક વચ્ચેના અકસ્માતમાં મહિલા સહિત બેના મોત, અરેરાટી

0
326

જામનગર :  રાજકોટ ધોરીમાર્ગ પરના ધ્રોલ તાલુકા મથકે ગઇકાલે સાંજે પૂર  ઝડપે દોડતી એક કારે જોરદાર ઠોકર મારતા બાઇક ચાલક ધ્રોલના જ પ્રૌઢનું કમકમાટીભર્યુ મૃત્યું નિપજ્યું જયારે કારમાં સવાર દંપતિ પૈકી મહિલાને પહોંચેલી ગંભીર ઇજાથી તેમનું પણ મૃત્યું નિપજ્યું હતું.  આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


જામનગર નજીકના રાજકોટ ધોરી માર્ગ પર આવેલા ધ્રોલ તાલુકા મથકે ગઇકાલે સાંજે પાંચેક વાગ્યા આસપાસ અકસ્માત સર્જાયો હતો. જેની વિગત મુજબ વ્હોરા બોડીની સામેના રોડ ક્રોસ કરતા અને ત્રિકોણ બાગ તરફ આવી રહેલા જી.જે.03 જે.બી.6886 નંબરના મોટરસાયકલ ચાલકને પૂર ઝડપે આવી ચડેલી જી.જે.10 બી.જી.9868 નંબરની કારે જોરદાર ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો. આ અકસ્માતમાં બાઇક પરથી ફંગોળાયેલા અબ્દુલભાઇ અલીભાઇ હિંગરોજા (ઉ.વ.70)નામના વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમજ કારમાં સવાર ગીતાબા પ્રવિણસિંહ મકવાણા (ઉ.વ.63)ને પણ માથાના ભાગે ઇજા પહોંચતા બન્ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન બન્નેના મૃત્યું નિપજ્યા હતા. આ બનાવ અંગે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતક વૃદ્ધના પુત્ર જાહિદભાઇ હિંગરોજાએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 279, 304(અ) અને એમવી એકટ 177, 184 તેમજ અન્ય ધારાઓ મુજબ ફરિયાદ નોંધી હતી. આ બનાવના પગલે ભોગગ્રસ્ત બન્ને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here