ભાયાવદર પોલીસ સ્ટેશનથી બોલું છું કહી વેપારીને ખખડાવ્યો

0
845

ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રહેતા એક વેપારીને એક શખ્સે ફોન કરી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ભાયાવદર પોલીસ સ્ટેશન થી બોલું છું તેમ કહી ફોન કરી આરોપી હેરાન કરી ધમકી આપી હોવાની ફરિયાદ માં જાહેર થયું છે. આરોપી અને વેપારીના પુત્રએ ભાગીદારીમાં લીધેલ ટ્રક બાદ આર્થિક લેતી-દેતી બાબતે મનદુઃખ થતાં આરોપીઓએ ધાક-ધમકી આપી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રહેતા વજસીભાઈ જીવાભાઈ વારોતરીયા નામના વેપારીએ ભાણવડ તાલુકાના ફતેહપુર ગામે રહેતા ભરતભાઈ સામતભાઈ ખોડભાયા નામના શખ્સની સામે સ્થાનિક પોલીસ દફતરમાં ધમકી આપવા સબબ ફરિયાદ નોંધાવી હતી. આરોપી ભરત અને વેપારી વજસીભાઈના દિકરા ભરતભાઈએ આજથી બે વર્ષ પહેલા ભાગીદારીમાં ટ્રક લીધો હતો, પુત્રની ભાગીદારી અંગે વેપારી વજસીભાઈને કોઈ જાણ ન હતી. દરમિયાન ટ્રકની લેતી દેતીના પ્રશ્નને લઈને વેપારીના પુત્ર અને આરોપી વચ્ચે મનદુઃખ થયું હતું.

જેને લઇને આરોપી ભરતે વેપારી પ્રૌઢને ફોન કરી અવાર નવાર પૈસાની ઉઘરાણી કરી, બીભત્સ વાણીવિલાસ આચરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પ્રૌઢ વેપારી આરોપીને ઓળખતા હોવા છતાં તેઓએ ભાયાવદર પોલીસ સ્ટેશનથી બોલું છું એમ કહી હેરાન કરી, ધમકી આપી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here