અરેરાટી: ધ્રોલ પાસે ગમખ્વાર અકસ્માત, વાપી સ્થાઈ થયેલ દંપતી અને તેની માસુમ પુત્રીના કમકમાટીભર્યા મોત

0
1526

જામનગર રાજકોટ ધોરી માર્ગ વધુ એક વખત રક્તરંજીત બન્યો છે. આજે સવારે એકટીવા સવાર દંપતી અને તેની માસુમ પુત્રી સવાર એકટીવાને બોલેરોએ ઠોકર મારતા પલ ભરમાં ત્રણેયના કમકમાટીભર્યા મૃત્યુ નીપજયા છે. ધ્રોલ તાલુકાના ભેંસદળ ગામેથી ધંધાર્થે વાપી ખાતે સ્થાઈ થયેલ સંજયભાઈ તેમના પત્ની અને પુત્રી સાથે ગામડે આવતા હતા ત્યારે કાળમુખા બોલેરોએ એકટીવાને જોરદાર ઠોકર મારી ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. એક પુત્રી અને પુત્ર ધરવતા સંજયભાઈ અને તેમની પત્ની પુત્રીના અવશાન બાદ હવે તેઓનો એક માત્ર માસુમ પુત્ર માતાપિતાથી નોધારો બની ગયો છે.

આ બનાવ અંગે  જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ભેંસદળ ગામે રહેતા રાજેશભાઇ મેધજીભાઇ ચોટલીયાએ કડીયાએ ધ્રોલ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં વર્ષોથી વાપી જીલ્લામાં ધંધાર્થે સ્થાઈ થયેલ પોતાના કુટુંબીક ભત્રીજા  સંજયભાઇ રમેશભાઇ ચોટલીયા ઉ.વ.૩૭ તથા તેમના પત્નિ ઇનાબેન સંજયભાઇ ચોટલીયા ઉ.વ.૩૬ તથા તેમની દિકરી નિષ્ઠા સંજયભાઇ ચોટલીયા ઉ.વ.૪ રહે.હાલ બધા અમરનગર ચણોદ વાપી તા.વાપી જી.વલસાડ વાળાઓ પોતાનું એકટીવા. GJ-03-FJ-3413 વાળુ લઇને ભેંસદળ આવતા હોય ત્યારે લૈયારા ગામથી થોડેક દુર જાયવા ગામના પાટીયા તરફ આવેલ આશાપુરા હોટલની સામે રોડ પર પહોચતા પુર ઝડપે આવે સફેદ કલરની બોલેરો ફોરવ્હિલ .GJ-03-BW-2320 વાળાના ચાલકે પોતાની બોલેરો પુરઝડપે અને બેફીકરાયથી ગફલતભરી રીતે ચલાવી આવી એકટીવાને જોરદાર ઠોકર મારી ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે થયેલ અક્સમાતમાં એકટીવા સવાર દંપતી અને તેની માસુમ પુત્રી ફંગોળાઈ ગયા હતા અને ત્રણેયને ગંભીર ઈજાઓ પહોચી હતી. માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સંજયભાઈ અને તેની પત્ની ઈનાબેનના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજયા હતા. જયારે પુત્રી નિષ્ઠાને ગંભીર ઈજાઓ સાથે ધ્રોલ હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન માસુમ પુત્રીએ પણ દમ તોડી દીધો હતો. પરિવારના ત્રણેય સભ્યોના મૃત્યુ નીપજતા નાના એવા ભેંસદળ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ભેંસદળ ગામે રહેતા કડિયા પરિવારના બે ભાઈઓ સંજય અને ચિરાગ ધંધાર્થે વાપી નજીક અમરનગરમાં સ્થાઈ થયા હતા. જેમાં મૃતક સંજયભાઈના બાર વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને આ લગ્ન જીવનના ગળા દરમિયાન તેઓને દીકરો મંથન ઉવ 9 અને મૃતક દીકરી નિષ્ઠા એમ બે સંતાન થયા હતા. આજે સવારે દીકરી સાથે એકટીવા લઇ ગામડે આવતા સંજયભાઈનું  એકટીવા અક્સમાતનો ભોગ બન્યું હતું જેમાં ત્રણેયના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. અકસ્માત બાદ બોલેરો ચાલક નાશી ગયો હતો પોલીસે નાશી ગયેલ બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here