દરેડ GIDC એસોમાં ગોલમાલ ? ચૂંટણી આવતા જુના હોદ્દેદારો મેદાને આવ્યા

0
585

જામનગર: દરેડ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના હોદેદારો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરી પૂર્વ બોડીએ જાણે પોલ ખોલી હોય તેમ ત્રાડ પાડી છે. કાયદાકીય કાર્યવાહીના બદલે મીડિયાનો સહારો લેતા પૂર્વ પદાધિકારીઓએ સામે ખુદના જ સંગઠનમાં ચર્ચાઓ જાગી છે. એવા સમયે આક્ષેપ કર્યા છે જયારે એસોની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. સંગઠનના પૂર્વ હોદ્દેદારોના દાવા મુજબ વર્તમાન બોડીએ ત્રણ વર્ષના ગાળામાં ગેર વહીવટ કરી દોઢેક કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. 

જામનગરના દરેડ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન હમેશા ચર્ચામાં જ રહ્યું છે. સ્થાનિક ઉદ્યોગકારોના સંગઠનમાં ચાલતો ગેર વહીવટ હમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. પોલીસ અરજીઓ, ફરિયાદો, એસીબી તપાસ સુધી પહોચી ગયેલ ગેર વહીવટ હમેશા ચર્ચાની એરણે રહ્યો છે. ત્યારે પૂર્વ હોદ્દેદારોએ સંગઠનના વર્તમાન હોદ્દેદારો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં વર્તમાન બોડી દ્વારા ગટરના પાણી નિકાલ માટે રૂપિયા ૧.૪૯ લાખ, રૂપિયા ૯.૪૫ લાખના શંકાસ્પદ દાનની રકમ બાબતે લીગલ નોટીસ ફટકારી ફેર ઓડીટની માંગ કરી છે. આ ઉપરાંત બોગસ અને વધારાના બીલ મૂકી એસોના ફંડમાંથી લાખો  રૂપીયાની રોકડ રકમ ઉધારી લીધી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે.

આ ઉપરાંત મેઇનટેન્સના નામે પણ કોભાંડ કરાયું હોવાનાં આક્ષેપ કરવામાં આવ્યા છે. જેમાં લગત એજન્સીને એસો દ્વારા રૂપિયા દોઢ કરોડનો લાભ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ કોરોના લોક ડાઉન વખતે વિસ્તાર બંધ હોવા છતાં સફાઈના નામે રૂપિયા ૩.૫૮ લાખનું બીલ ઉધારી લેવાયું હોવાનો આક્ષેપ પૂર્વ એસોના હોદ્દેદારોએ લગાવ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે ચેરીટી કમિશ્નરમાં ફેર ઓડીટની માંગ કરવામાં આવી છે.

પોતાના પર લાગેલ આક્ષેપોને વાહિયાત ગણાવી વર્તમાન એસોએ આક્ષેપોને ચૂંટણીલક્ષી એજંડા સાથે સરખાવ્યા છે. હવે જયારે ચૂંટણી નજીક આવી છે ત્યારે આક્ષેપોનો મતલબ સ્પષ્ટ છે. પૂર્વ બોડી સામે તો ઓન રેકોર્ડ ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપો છે જે એસીબી અને કોર્ટ સુધી પહોચી ચુક્યા છે. એનો જવાબ આપે પૂર્વ એસો પછી અમારો હિશાબ માંગે એમ વર્તમાન બોડીએ સણસણતો જવાબ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here