જામનગર : આવતી કાલે જામનગર શહેરને મહિલા મેયર મળશે. જયારે સ્ટેન્ડીગ ચેરમેન અને ડેપ્યુટી મેયર સહિતના પદાધીકારીઓની પણ આવતી કાલે જાહેરાત થઇ જશે. થોડી જ કલાકોમાં જામનગર શહેરના નવા પદાધિકારીઓનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. મેયરની રેસમાં બીનાબેન સૌથી આગળ છે. જયારે સ્ટેન્ડિંગ ચેરમેનની રેસમાં પણ સીનીયર સદસ્યોના નામ છે.
ભાજપાએ ફરી એક વખત ઐતિહાસિક જીત મેળવી ભાકુલ 64 બેઠકમાંથી 50 બેઠક ભાજપ જીત્યું છે તો વિરોધ પક્ષે અઢી દાયકાથી બેસનાર કોંગ્રેસ 60 ટકાના ઘટાડા સાથે માત્ર 11 બેઠક જ જીત્યું છે. જયારે સૌ પ્રથમ વખત બહુજન સમાજ પાર્ટી (બ.સ.પા)ના ત્રણ કોર્પોરેટર ચુંટાયા છે જે પણ વિપક્ષની પંગતમાં જોડાશે. આમ સત્તામાં 50 અને વિપક્ષમાં 14 કોર્પોરેટર સામાન્ય સભામાં જોવા મળશે.

જામનગર મહાનગરપાલિકાની સૌ પ્રથમ સામાન્ય સભા આવતીકાલે એમ.પી.શાહ મ્યુનિ.ટાઉન હોલમાં સવારે 11 વાગ્યે યોજાયેલ છે. આ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટિના 12 સભ્યોની ચુંટણી થશે. પ્રથમ બોર્ડ બેઠકમાં એક માત્ર મુખ્ય એજન્ડા ચુંટણીનો છે. ચુંટણી પહેલા ગત વોર્ડની મિટીંગની મિનિટસને બહાલી અપાશે.

આ ચુંટણીના એક કલાક પહેલા શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના નવા ચુંટાયેલા 50 કોર્પોરેટરો સાથે સંકલન બેઠક યોજાશે. આ બેઠકમાં જ પક્ષ દ્વારા પસંદ કરાયેલ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન સહિતના 12 સભ્યો ઉપરાંત શાસકપક્ષના નેતા અને દંડકના નામની જાહેરાત શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા કરશે. આ વખતે રાજયના મંત્રી અને શહેરના ધારાસભ્ય આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ હાજર રહેનાર હોવાનું જાણવા મળે છે. આ જાહેરાત મુજબના કોર્પોરેટરને જે-તે પદ માટે ચુંટાવાની સામાન્ય સભામાં જે દરખાસ્ત રજૂ થાય તેને સમર્થન આપવા માટે ભાજપએ તેના ચુંટાયેલા તમામ 50 કોર્પોરેટરોને થ્રી-લાઇન વ્હીપ આપી દેવામાં આવ્યો છે. જેમાં પાર્ટી જે સદસ્ય નક્કી કરે તેને પદાધિકારી તરીકે સમર્થન આપવાની સુચના આપવામાં આવી છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ચુંટણી સંદર્ભે પક્ષના તમામ ૫૦ કોર્પોરેટરોને બુધવારે સાંજે જ વ્હીપ આપી દેવામાં આવ્યો છે.