જામનગર: મહારાજ ફિલ્મમાં વલ્લભ સંપ્રદાયની વિવાદિત પટકથા- કહાની દર્શાવવામાં આવી છે. સંપ્રદાયના વિવાદને લઇ પત્રકારત્વ કરનાર જૂની પેઢીના મહાન પત્રકાર કરશનદાસ મુળજીને વણી લેતી ફિલ્મ એટલે મહારાજ, આ કેસ ૨૫ જાન્યુઆરી ૧૮૬૨ થી ૨૨ એપ્રિલ ૧૮૬૨ દરમિયાન લડવામાં આવ્યો હતો. બે સદી બાદ આ જ કેસ આધારિત ફિલ્માંકન કરવામાં આવ્યું જે હાલ વિવાદનો વિષય બન્યું છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા બનાવાયેલી મહારાજ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાની સાથે વિવાદ શરૂ થયો હતો. ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયની લાગણી દુભાય છે એ વાતને લઇને વૈષ્ણવો દ્વારા ફિલ્મનો વિરોધ કરવાનું શરૂ થયું છે. અમદાવાદ સહિત ગુજરાતના વૈષ્ણવ સંપ્રદાયે ફિલ્મ સામે રોષ પ્રગટ કરીને કોર્ટમાં અરજી દાખલ કરી. હાઈકોર્ટે ફિલ્મ પર સ્ટે લગાવી દીધા બાદ ફિલ્મને હાલ લીલીઝંડી આપી છે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં પણ આ ફિલ્મનો વિરોધ થયો છે અને ફિલ્મ પરત લેવા માંગણી કરવામાં આવી છે.
વલ્લભ સંપ્રદાયના ગુરુઓ તેમના અનુયાયીયોનાં વહેમ તથા અંધ શ્રધ્ધાનો લાભ લઈ તેમની પાસેથી અઢળક નાણાં મેળવતા અને તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા. આ રીત સત્તરમા સૈકાથી ચાલી આવતી અને ઓગણીસમા સૈકામાં ચાલું રહી હતી. કરશનદાસ મુળજી (૧૮૩૨-૧૮૭૧) વલ્લભ સંપ્રદાય પાળતા કુટુંબમાં જન્મેલા સમાજ-સુધારક અને મુંબઈની બુદ્ધિવર્ધક હિંદુ સભાના સક્રિય કાર્યકર હતા. તેઓ ધર્માચાર્યોની અનીતિના ભારે વિરોધી હતા. તેઓ ‘સત્યપ્રકાશ’ નામનું સામયિક ચલાવતા હતા. તેમાં તેમણે વલ્લભ સંપ્રદાયના ધર્મગુરુઓને ઉઘાડા પાડવા માંડ્યાં. તેમણે તેમના લેખો ‘ગુલામી ખત’, ‘મહારાજોનો જુલમ’, ‘મહારાજોના મંદિરમાં ઝાપટનો માર’, ‘મહારાજોના મંદિરમાં અનીતિ’, ‘મહારાજોનો લોભ’, ‘વાણિયા મહાજનની હાલત’, ‘મહારાજોના લાગા’ વગેરે શીર્ષકોથી પ્રસિદ્ધ કર્યા હતાં. ‘મહારાજોનો જુલમ’ નામના લેખમાં કરસનદાસે લખ્યુ છે:
“છેલબટાઉ જુવાન ચીમનજી મહારાજે જુલમનો એક નવો રસ્તો થોડાએક દિવસ થયાં શોધી કાઢ્યો છે. એ મહારાજ… એક મહેલ બંધાવવા ધારે છે. એ બંધાવવાનો ખર્ચ પેદા કરવાનો એ મહારાજે એક સહેલો ઉપાય શોધી કાઢ્યો છે… ગયા રવિવારે એ મહારાજે પોતાને ત્યાં આવેલા વૈષ્ણવોને બંદીવાનની પેઠે બેસાડી રાખ્યા હતા. આમ બેસાડવાનો સબબ એટલો જ કે પેલા ગરીબ વૈષ્ણવોને ડુબાડીને પોતાને વાસ્તે મહેલ બંધાવવા સારુ ઊભી કરેલી ટીપમાં નાણું ભરાવવું. તેઓએ મહારાજોને મનગમતી રકમ ભરવાને આનાકાની કરી તેથી મહારાજે આખો દહાડો તેઓને ભૂખ્યા-તરસ્યા બેસાડી રાખ્યા અને જ્યાં સુધી માગેલી રકમ ન ભરી ત્યાં સુધી તેઓને ઊઠવા દીધા નહિ’… શું જુલમની વાત!! વાંચનાર ભાઈઓ, તમારી દોલત આવી રીતે લૂંટી લેવામાં આવે તો તેથી તમને ક્રોધ નહિ ચડે? અફસોસ ! અફસોસ !…”
— કરસનદાસ મૂળજી
કરસનદાસે લખેલા ઉગ્ર લખાણો વૈષ્ણવ મહારાજો જીરવી ન શક્યા. તેથી તેમણે કરસનદાસની કપોળ જ્ઞાતિના પંચ સાથે મસલતો કરીને તેમને નાત બહાર કરાવ્યા. આવા સંજોગોમાં સુરતની ગાદીના મહારાજ જદુનાથજી બ્રિજરત્નજી ૧૮૬૦માં મુંબઈ ગયા. તેમણે કવિ નર્મદ અને કરસનદાસ સહિત બધા સમાજ-સુધારકોને નાસ્તિક જાહેર કર્યા. કરસનદાસે આ સમયે તેમનો ઇતિહાસપ્રસિદ્ધ લેખ ‘હિન્દુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો’ લખ્યો. આ લેખમાં તેમણે મહારાજોના કુકર્મો જાહેર કર્યા. તેથી જદુનાથજીએ કરસનદાસ સામે પચાસ હજાર રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો. આ કેસ ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે જાણીતો થયો. મહારાજોએ તેમના ભાટિયા અનુયાયીઓ ઉપર એવું દબાણ કર્યું કે જે કોઈ ભાટિયા સ્ત્રી કે પુરુષ મહારાજો વિરુદ્ધ જુબાની આપશે તેને નાત બહાર કરવામાં આવશે. આથી કરસનદાસે મહારાજો સામે અદાલતમાં ફરિયાદ કરી કે તેમણે જ્ઞાતિપંચ દ્વારા પુરાવાઓ દબાવવાની અને ન્યાયમાં રુકાવટ લાવવાની સાજિશ કરી હતી. આ કેસ ‘ભાટિયા કૉંસ્પિરસી કેસ’ (૧૮૬૧) તરીકે જાણીતો થયો. ભાટિયા કૉંસ્પિરસી કેસનો ચુકાદો ૧૨ ડિસેમ્બર ૧૮૬૧ના રોજ બ્રિટિશ ન્યાયાધીશ સર જોસેફ આર્નોલ્ડે આપ્યો હતો. તેમાં મહારાજો અને તેમના ભાટિયા અનુયાયીઓને ગુનેગાર ઠરાવીને દંડ કરવામાં આવ્યો હતો.
મહારાજ લાયબલ કેસ ૨૫ જાન્યુઆરી ૧૮૬૨ના રોજ શરૂ થયો. આ કેસ દરમિયાન કરસનદાસ ઉપર તેમના દુશ્મનોએ હુમલા કર્યા હતા. કેસ ચાલે ત્યારે અદાલતમાં ખૂબ ભીડ જામતી. મુંબઈ ઈલાકાનાં લગભગ બધાં અખબારો કેસ વિશેના સમાચાર પ્રગટ કરતાં. મહારાજો કેવી રીતે વ્યભિચાર કરતા હતા તેની વિગતો આ કેસ દરમિયાન અદાલતમાં જાહેર થઈ. ભાટિયા અને વાણિયા જ્ઞાતિના મહારાજોના સેવકો તેમના પગની રજકણ ચાટતા, પાણીથી ખરડાયેલા તેમના ધોતિયાને નિચોવીને પાણી પી જતા, તેમનું છાંડેલું અન્ન આરોગતા, તેમનાં ચાવેલાં પાનસોપારી ખાતા, આતુરતાપૂર્વક તેમના કુટુંબની કન્યાઓ અને સ્ત્રીઓ સંભોગ માટે મહારાજોને સોંપતા – આ તમામ વિગતો પૂરાવા સાથે અદાલતમાં પ્રકાશમાં આવી હતી. એક સાક્ષીની જુબાની અનુસાર, ‘રાસમંડળી’ તરીકે જાણીતી બનેલી મહારાજો અને સ્ત્રીઓ વચ્ચેની રતિક્રીડાનાં દર્શન કરવા માટે ભાવિકોએ મોટી રકમ આપવી પડતી હતી, જે અંગે કરસનદાસે ‘સત્યપ્રકાશ’માં પ્રકોપ અને વેદનાસભર લેખ કર્યા હતાં.
મહારાજો તેમની અનુયાયી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા તેનો પૂરાવો અદાલતમાં રજૂ થયો હતો. મુંબઈના બે જાણીતા ડૉક્ટરરો ભાઉ દાજી અને ધીરજરામ દલપતરામે એવી જુબાની આપી હતી કે જદુનાથજી મહારાજ પરમિયા ( સીફીલીસ) રોગથી પીડાતા હતા. વ્યભિચાર ઉપરાંત તેઓ તેમના અનુયાયીઓ પાસેથી ‘લાગા’ના સ્વરૂપમાં ધન પડાવી લેતા અને મંદિરોને તેમની અંગત મિલકત ગણતા હતા. આ કેસનો ચુકાદો ૨૨ એપ્રિલ ૧૮૬૨ના રોજ આપવામાં આવ્યો હતો. તેમાં કરસનદાસ નિર્દોષ સાબિત થયા હતા. આ કેસ લડવામાં તેમને ૧૩,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો. અદાલતે જદુનાથજી પાસેથી તેમને ૧૧,૫૦૦ રૂપિયા અપાવ્યા હતા. આ કેસે મુંબઈ વિસ્તારના લોકોમાં નવજાગૃતિ આણવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. કેસ ચાલતો હતો તે દરમિયાન જદુનાથજી મહારાજે કૉર્ટને એવી અરજી કરી હતી કે તેઓ લાખો લોકોના ધાર્મિક અને આધ્યાત્મિક વડા હોઈ તેમને અદાલતમાં જુબાની આપવા માટે ફરજ પાડવામાં ન આવે. પરંતુ ન્યાયાધીશે તેમની આ માગણી સ્વીકારી ન હતી.
આ ઘટનાએ એવું પ્રતિપાદિત કર્યું કે જે નીતિમત્તાની વિરુદ્ધ હોય તે ધાર્મિક રીતે સ્વીકારી શકાય નહિ. આ કેસે નવાં બૌદ્ધિક મૂલ્યોનું સર્જન કરીને સમાજ-સુધારકોમાં પરિવર્તન માટેની નૂતન આશા જાગ્રત કરી હતી. અંગ્રેજી છાપાઓમાં કરસનદાસને ‘ઇન્ડિયન લ્યુથર’ (૧૬મી સદીના ખ્રિસ્તી સમાજસુધારક માર્ટિન લ્યુથરના નામ પરથી) તરીકે ટાંકવામાં આવ્યા હતા. નેટફ્લિક્સની અપકમિંગ ફિલ્મ ‘મહારાજ’ રિલીઝ થયા પહેલા જ વિવાદના વંટોળમાં ફસાઇ છે. બોલિવૂડ એક્ટર આમિરખાનના પુત્ર જુનેદખાન મહારાજ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા હતા. જ્યારે ફિલ્મને લઈ વિવાદ વધ્યો છે.
નોંધનીય છે કે ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાય વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે. જેને લઈને વૈષ્ણવ સંપ્રદાયથી જોડાયેલ લોકો મહારાજા ફિલ્મને લઈ મેદાને ઉતર્યા છે. વધતા વિવાદને કારણે મહારાજ ફિલ્મ પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. જે સ્ટે હટાવી લેવાતા હવે ફિલ્મ રીલીઝ થવા આવેલ આડશ દુર થઇ છે. એક ખૂબ ચકચારી બનેલા આ કેસની વિગતો પરથી જાણીતા પત્રકાર-લેખક સૌરભ શાહે મહારાજ નામની નવલકથા લખી હતી. આ જ નવલકથા પરથી મહારાજ નામે ફિલ્મ બની છે, જે નેટફ્લિક્સ પર રજૂ થશે.