ટ્રક કૌભાંડ : રજાક સોપારી અને ટોળકીની હવા નીકળી ગઈ, ચાર ટ્રક કાઢી આપ્યા, એક આરોપીને કોરોના

0
2740

જામનગર અપડેટ્સ : ભૂમાફીયા જયેશ પટેલના સાગરીત એવા કુખ્યાત રજાક સોપારી સહીત ત્રણ શખસોએ કાવતરૂ રચી ગ્રાહકોએ લોન પર લીધેલા ટ્રકો પર કબજો કરી હપ્તા ન ભરી પેઢીના સંચાલકોના ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપ્યાની વધુ એક ફરિયાદ નોંધાયા બાદ જેલમાં ધકેલાયા રજાક સોપારી અને ભાજપના નગરસેવીકાના જમાઇ એવા રજાકના ભાઇનો પોલીસે કબ્જો સંભાળ્યો છે. આ પ્રકરણમાં પોલીસે ચાર ટ્રક કબ્જે કરી છે જયારે અન્ય બે શખ્સોની સંડોવણી ખુલતા એકની ધરપકડ કરી છે જયારે એક આરોપી કોરોના પોઝીટીવ હોવાથી હાલ પુરતી ધરપકડ ટાળી છે.

તાજેતરમાં એટીએસ અને એસઓજી પોલીસે અમદાવાદથી જામનગરના કુખ્યાત સખ્સ રજાક સોપારીને પકડી પડી જામનગર લઇ આવી પૂછપરછ હાથ ધરી છે ત્યાં આ સખ્સ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં જામનગરમાં હીન્દુજા ફાયનાન્સ લીમીટેડમાંથી વર્ષ-2012 થી 2020 ના સમયગાળા દરમ્યાન જુદા જુદા ગ્રાહકોએ લોન પર ટ્રક લીધા હતાં. લોન પર લીધેલા ટ્રકો કોઇપણ રીતે કબજામાં લેવા રજાક સોપારી સહીતના શખસોએ કાવતરૂં રચ્યું હતું. ત્યારબાદ હીન્દુજા ફાયનાન્સ કંપનીમાંથી લોન પર ગ્રાહકોએ લીધેલા ટ્રકો પર કબજો કરી બાકી ભરવાના થતાં હપ્તા ભર્યા ન હતાં.આટલું જ નહીં કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ ટ્રક સીઝ કરવા જતાં રજાક સોપારી અને તેના સાગરીતોએ કર્મીઓને ટાંટિયા ભાંગી નાખી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કંપનીમાં નોકરી કરતા જયેશ તુલસીભાઇ જોશી (રે. અંજાર કચ્છ) એ ફરિયાદ નોંધાવતા પોલીસે રજાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા, હુશેન દાઉદ ચાવડા અને અમીત નોતિયાર સામે ગુનો નોંધાવ્યો હતો. જેને લઇને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે આરોપી રજાક એલસીબીના રીમાન્ડ પર હોવાથી અને તેનો ભાઇ જેલમાં હોવાથી તપાસ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ રજાકને જેલ હવાલે કરવામાં આવતા સીટી બી ડીવીઝન પીઆઇ કે.એલ.ગાધેની ટીમ દ્વારા આરોપીઓનો કબ્જો સંભાળવા કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. ગઇકાલે સીટી બી ડિવિઝન પોલીસે રજાક સોપારી અને તેનો ભાઇ હુશેન દાઉદ ચાવડાનો કબ્જો સંભાળી આ પ્રકરણની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં ૧૩ પૈકીની ચાર ટ્રક કબ્જે કરવામાં આવી છે. જયારે અન્ય બે આરોપીઓની સંડોવણી બહાર આવતા સીટી બી ડિવિઝન પોલીસની ટીમે બન્નેની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પૈકીના એક આરોપીનો રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યો છે ત્યારે અન્યની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આ પ્રકરણની તપાસ કરવા માટે આરોપી રજાક અને ભાજપના નગરસેવીકાના જમાઇ એવા તેના ભાઇ હુશેન દાઉદ ચાવડા સહિતના ત્રણેય શખ્સોના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here