દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધરમપુર ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ કેન્દ્રમાં ફરજ બજાવતા એક કર્મચારીને એસબીએ રૂપિયા 70ની લાંચ લેતા પકડી પાડ્યા છે. ટેકાના ભાવની મગફળીના રજીસ્ટ્રેશન માટે ની કાર્યવાહી કરવા માટે આ બાબુએ લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલ ધરમપુર ગ્રામ પંચાયતમાં હાલ ખેડૂતોના ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયા માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ છે. રજીસ્ટ્રેશન કાર્યવાહી સંભાળતા ગ્રામ પંચાયત કચેરીના ટીએલઈ (તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ) કિશોર અમૃત પુરી ગોસાઈ ખેડૂતો પાસેથી રૂપિયા 50 થી 300 સુધીની ગેરકાયદેસર લાંચની માંગણી કરી પૈસા પડાવતા હોવાની એસીબીને ચોક્કસ માહિતી મળી હતી. આ આધારભૂત માહિતીની ખરાઈ કરવા સ્થાનિક એસીબી દ્વારા લાંચના ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે કરવામાં આવેલ ડીકોય દરમિયાન એક ખેડૂત પાસેથી ટીએલઇ કિશોર ગોસાઇ રૂપિયા 70ની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. એસીબીએ આ કર્મચારી ની કાયદેસરની અટકાયત કરી ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક તરફ દેશમાં ભ્રષ્ટાચાર વધી રહ્યાના અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે. કરોડો-અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના અહેવાલો છાસવારે પ્રસાર પ્રચાર માધ્યમોમાં પ્રસારિત થતા હોય છે. ત્યારે માત્ર 70 રૂપિયાની લાંચ લેતા કર્મચારીને એસીબી એ આંતરી લીધો છે. પોતાની ફરજના ભાગરૂપે એસીબીએ સારી કામગીરી કરી છે પરંતુ રૂપિયા 70ની લાંચ ને લઈને સભ્ય સમાજમાં આ કાર્યવાહી સામે પણ સવાલો થઈ રહ્યા છે. 70 રૂપિયાની લાંચની કાયદાકીય કાર્યવાહી માટે સમગ્ર પ્રક્રિયા દરમિયાન સરકારને હજારો રૂપિયાનો ખર્ચ આવશે એમ પણ જાણકાર સૂત્રોએ વિગતો આપી હતી.