વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચંડોર ગામના સરપંચ અને તેના પતિને એસીબીની ટીમે એક લાખની લાંચ લેતા પકડી પાડ્યા છે. ગ્રામ પંચાયત હસ્તકની જમીનમાં બનાવેલા ફ્લેટની આકારણી કરવા માટે દંપતીએ અઢી લાખની માંગણી કરી હતી અને પ્રથમ હપ્તાની એક લાખની રકમ સ્વીકારતા આબાદ પકડાઇ ગયા છે.

આ ટ્રેપ છે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચંડોર ગામની, જ્યાં એક આસામી દ્વારા ગ્રામ પંચાયતમાં આવતી જમીનમાં ફલેટ રાખ્યા હતા.ફરીયાદીએ હનુમંત રેસીડેન્સીમાં રાખેલ ફ્લેટસ અંગેની ગ્રામ પંચાયતમાં આકારણી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં સરપંચ મયુરીબેન મુકેશભાઈ ભુલાભાઈ પટેલ અને તેના પતિ મુકેશભાઈ ભુલાભાઈ પટેલ, બન્ને રહે. ચંડોર ગામ, ભરવાડ ફળીયુ, તા.વાપી જિ.વલસાડવાળાઓએ ફ્લેટોની આકારણી કરવા માટે રૂપિયા અઢી લાખની માંગણી કરી હતી. જોકે, ફરીયાદી પાસે હાલ રૂા.૧,૦૦,૦૦૦ વ્યવસ્થા થયેલ હોય અને બાકીની રકમ પછીથી આપવા જણાવાયુ હતું. પરંતુ આસામી લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીને જાણ કરી ફરિયાદ કરી હતી.

જેને લઈને વલસાડ અને ડાંગ એ.સી.બી.ના પીઆઇ કે આર સક્સેના સહિતની ટીમે ગઈ કાલે વાપી સુરત-મુંબઇ ને.હા.નં.૪૮ ની બાજુમાં આવેલ શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાના પાર્કિગમાં ટ્રેપ ગોઠવી હતી. જેમાં સરપંચ પતિ
મુકેશભાઈ સ્થળ પર આવી, પોતાની સરપંચ પત્ની મયુરિબેન સાથે ફરિયાદીને વાત કરાવી હતી. સરપંચે ટેલીફોન ઉપર સહમતી આપી હતી. જેને લઈને સરપંચ પતિ એક લાખ લેતા રંગે હાથ પકડાઈ ગયા હતા. જ્યારે એસીબીની એક ટીમે સરપંચ મયુરિબેનને પકડી પાડયા હતા. હાલ બન્ને આરોપીઓને એ.સી.બી. દ્વારા ડિટેઇન કરવામાં આવેલ છે.