બાંધકામની મંજૂરી માટે રૂ. 1 લાખની લાંચ લેતા મહિલા સરપંચ અને તલાટી 

0
11

પ્રાઈમ ઇન્ફૉ:

  • મહેસાણાના ગમનપુરા ગ્રામ પંચાયતમાં ACBએ લાંચનું સફળ છટકું ગોઠવ્યું.
  • જમીન પર બાંધકામની મંજૂરી આપવા બદલ રૂ. 1 લાખની લાંચ માંગ્યાનો આક્ષેપ.
  • મહિલા સરપંચ મણીબેન ઠાકોરે રૂ. 80 હજારની લાંચ સ્વીકારી.
  • મહિલા તલાટી કમ મંત્રી દિપ્તીબેન પટેલે રૂ. 20 હજાર સ્વીકાર્યા.
  • ACBએ બંનેને રંગેહાથ ઝડપી લઈ લાંચની સંપૂર્ણ રૂ. 1 લાખની રકમ રિકવર કરી.

જામનગર અપડેટ્સ : મહેસાણામાં બાંધકામની પરવાનગી આપવા માટે રૂ. 1 લાખની લાંચની માંગણી અને સ્વીકારવાના મામલે ACBએ સફળ ટ્રેપ ગોઠવી મહિલા સરપંચ અને મહિલા તલાટીને રંગેહાથ ઝડપી પાડ્યાં છે. ગમનપુરા ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં સરપંચ મણીબેન ઠાકોરે રૂ. 80 હજાર અને તલાટી કમ મંત્રી દિપ્તીબેન પટેલે રૂ. 20 હજાર મળી કુલ રૂ. 1 લાખની લાંચની રકમ સ્વીકારતાં ACBની ટીમે બંનેને ઝડપી લીધાં હતાં. સમગ્ર લાંચની રકમ પણ રિકવર કરવામાં આવી છે.

ACBની ફરિયાદ મુજબ, ફરિયાદી જાગૃત નાગરિકે મહેસાણા જિલ્લાના ગમનપુરા ગામે જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. આ પૈકીની એક જમીન વર્ષ 2023માં બિનખેતી (NA) કરાવી તેમાં વોટર ટ્રીટમેન્ટ કેમિકલનું ઉત્પાદન યુનિટ શરૂ કર્યું હતું. ત્યારબાદ ધંધામાં ઉત્પાદન વધારવાની જરૂરિયાત ઊભી થતાં ફરિયાદીએ પોતાની માલિકીની અન્ય જમીન બિનખેતી કરાવી ત્યાં બાંધકામ કરવા માટે જરૂરી પરવાનગી મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

આ માટે ફરિયાદી ગમનપુરા ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યા હતા અને સરપંચ મણીબેન ઠાકોર તથા તલાટી કમ મંત્રી દિપ્તીબેન પટેલનો સંપર્ક કરી બાંધકામની મંજૂરી આપવા રજૂઆત કરી હતી. આ દરમિયાન બાંધકામની અરજીમાં મંજૂરી આપવા બદલ સરપંચ મણીબેન ઠાકોરે ફરિયાદી પાસે રૂ. 1 લાખની લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે. જેમાંથી રૂ. 20 હજાર તલાટી દિપ્તીબેન પટેલને આપવા પડશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.

આમ, લાંચની રકમ પૈકી રૂ. 80 હજાર સરપંચ માટે અને રૂ. 20 હજાર તલાટી માટે નક્કી કરવામાં આવ્યા હતા. જોકે, ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે ACB દ્વારા 2 નવેમ્બર, 2026ના રોજ ગમનપુરા ગ્રામ પંચાયત ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન સરપંચ મણીબેન મહેન્દ્રજી ઠાકોરે ફરિયાદી પાસેથી રૂ. 80 હજારની લાંચ સ્વીકારી હતી, જ્યારે તલાટી કમ મંત્રી દિપ્તીબેન વસંતભાઈ પટેલે રૂ. 20 હજારની લાંચની રકમ સ્વીકારી હતી. બંને મહિલાઓ સ્થળ પર જ ACBના છટકામાં ઝડપાઈ ગઈ હતી. ACBની ટીમે લાંચની સંપૂર્ણ રૂ. 1 લાખની રકમ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર ટ્રેપની કાર્યવાહી અમદાવાદ શહેર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. શેઠ તથા ACBની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન અમદાવાદ ACB એકમના મદદનીશ નિયામક એમ.એચ. પુવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ઇન્ચાર્જ અધિકારી તરીકે ACBના નાયબ નિયામક હરેશ મેવાડા રહ્યા હતા.

નોંધ: આ વિગતો ACB દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી અને આક્ષેપો આધારિત છે. આરોપીઓ સામેના આક્ષેપો કોર્ટમાં સાબિત થવાના બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here