મેઘમલ્હાર : કાલાવડમાં બે કલાકમાં બે ઇંચ, ખેતરોમાં પાણી પાણી

0
422

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લામાં સતત ત્રીજ દિવસે મેઘરાજ મહેરબાન બન્યા છે. મોન્સુનની શરૂઆતમાં જ વાવણી લાયક વરસાદ થઇ જતા જગતનો તાતનો ચહેરો મલકાઈ ગયો છે. આજે સવારથી કાલાવડ અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ મુકામ કર્યો છે. બપોરે બે થી ચાર વાગ્યાના ગાળામાં બે ઇંચ વરસાદ પડી ગયો છે. જેને લઈને અનેક ખેતરો તળાવમાં ફેવાઈ ગયા હતા. બીજી તરફ આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં જામનગર, લાલપુર અને ધ્રોલમાં ઝાપટા પડ્યા હતા.

જામનગર જીલ્લામાં મેઘરાજાની રુમઝૂમ સવારી આવી પહોચતા ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે. ચોમાસું બેસતા જ વાવણી લાયક વરસાદ થઇ જતા આ વર્ષ સારું રહેવાના શુભ સંકેત પણ કહી શકાય, આજે સવારથી જ મેઘાવી માહોલ અવિરત રહ્યો હતો. આજ સવારથી સાંજે ચાર વાગ્યા સુધીના ગાળામાં ઝાપટાથી માંડી બે ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર કંટ્રોલરૂમના આકડા મુજબ બપોરે બે વાગ્યાથી ચાર સુધીના ગાળા દરમિયાન કાલાવડમાં ૪૫ મીમી અને જામનગર, ધ્રોલ, લાલપુર, જોડિયામાં ઝાપટા પડ્યા હતા.

ગઈ કાલથી સવાર સુધીની વાત કરીએ તો જામનગરના વસઈ ગામે પાંચ ઇંચ, લાખાબાવળ સવા ઇંચ, મોટી બાણુંગાર બે ઇંચ, ફલ્લામાં એક, જામ વંથલીમાં એક એન દરેડમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે જોડિયા તાલુકાના ગ્રામ્યમાં ઝાપટાઓ પડ્યા હતા. કાલાવડ તાલુકાના નિકાવા, ખરેડી, મોટા વડાળા, બેરાજા, નવાગામ અને મોટા પાંચ દેવડામાં અડધાથી માંડી સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે જામજોધપુર તાલુકાના સમાણા, શેઠવડાલા, જામવાડી, વાંસઝાલીયા, ઘુનડા, ધ્રાફા, પરડવામાં એકથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો. લાલપુર તાલુકાના પીપરટોળા, પડાણા, ભણગોર, મોટા ખડ્બા, મોડપર અને ડબાસંગમાં પણ અડધાથી માંડી સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો જેમાં પડાણામાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here