જામનગર સહિત સમગ્ર હાલાર અને ગુજરાતભરમાં હજારો ખેડૂતોને જમીન રી સર્વેમાં વાંધા છે. જેને લઇને ગામડે ગામડે ખેડૂતભાઈઓ અને શેઢાપાડોશીઓ વચ્ચે અવારનવાર વિવાદ થાય છે. કઠણાઈ તો એ છે કે જે ખેડૂતોને રી સર્વેમાં વાંધા છે એવા ખેડૂતોની અરજી કર્યાને પ-પ વર્ષ સુધી માપણી હજુ પણ અધ્ધરતાલ છે. લાંબા સમય વીતવા છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા આજે સ્થાનિક કક્ષાએ માથાકૂટના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે જમીન રીસર્વે સંપૂર્ણ રદ કરવામાં આવે તેવી વધુ એક વખત ખેડૂત નેતા અને યુવા ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ વિધાનસભામાં પ્રબળ અને આક્રમક માંગ ઉઠાવી છે. સરકારે સરમાવવાના બદલે ધારાસભ્ય ખવાને જ વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

જમીન રીસર્વેને લઈ અનેક ક્ષતિઓ સામે આવી છે. ભૂતકાળમાં સરકારે પણ આ મામલે સ્વીકાર્યું છે કે જમીન રીસર્વેના મુદ્દે ખેડૂતોનો વિરોધ વ્યાજબી છે. રીસર્વેમાં ખેડૂતોના નામ બદલાઈ ગયા, ખેડૂતોના નામ નીકળી ગયા છે. જ્યારે અમુક ક્ષેત્રફળ ઘટી કે વધી ગયા છે. તો કબ્જામાં ફેરફાર પણ થયા છે. સાથે જ નક્શામાં ફેરફાર થયા છે અને ગામની આકારણી પણ બદલાઈ ગઈ છે. આવી અનેક ફરિયાદો તંત્રના ચોપડે હાજરાહજૂર છે.મહત્વનું છે કે એવું પણ ધ્યાનમાં આપેલ છે કે, મૂળ સર્વે નંબરના ભાઈઓ ભાગથી અલગ પેટા હિસ્સા થયા છે. પ્રત્યક્ષ રીતે જુદા જુદા કબજો છે પરંતુ માપણીમાં ઉલટ-સુલટ થવાથી તેમજ ક્ષેત્રફળમાં ફેરફારને કારણે કૌટુંબિક ઝગડાઓ પણ વધ્યા છે. ત્યારે આજે વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન વધુ એક વખત વિધાનસભામાં જમીન રીસર્વેનો મુદ્દો ગાજ્યો હતો. ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જમીન રીસર્વેની કામગીરીનો આંકરો વિરોધ કરી ખેડૂત હિતમાં નિર્ણય સરકાર દ્વારા રીસર્વેનો રદ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી. સાથે જ માપણી કર્યા પછી સાત બારમાં અસર આપી દેવાઈ છે. જ્યારે ગામ નકશામાં અસર આપતા નથી આથી આ સુધારો અધૂરો છે. જેથી અસર પણ આપવી જોઈએ તેવી માંગ કરાઇ છે. વધુમાં જમીન માપણી રદ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી તેવી રજૂઆત કરી છે.
રી સર્વેની કામગીરીનો મુખ્ય ઉદ્દેશ કબજેદારોની જમીનની સાચી માપણી થાય, દરેક સર્વે નંબરની જમીનના નકશા આપવામાં આવે અને રેકર્ડ અદ્યતન કરવાનો છે. પરંતુ કામગીરીમાં રહેલ ક્ષતિને કારણે આ કામગીરી હાલ વિવાદનું ઘર બની છે. એક તો સબંધિત વિભાગમાં સ્ટાફની ઘટ અને બીજું કામના ભયંકર ભારણ થતા સર્વેમાં મોટાપાયે ભૂલોને લીધે રી સર્વે રદ કરવા સિવાય કોઈ રસ્તો ન હોવાનું અંતમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જણાવ્યું હતું.